તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ડાંગમાં સતત બીજા દિવસે પણ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાપુતારા, સામગહાન સહિતના ગામોમાં વરસાદ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. બાદમાં મેઘમહેર ગતરોજથી સમયાંતરે ડાંગ જિલ્લાના ગામડાઓમાં ફરીથી ધબકતો થતા ડાંગી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટીના પંથકોમાં સતત બીજા દિવસે ધીમા ધારની વરસાદી હેલી યથાવત રહેતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં શુક્રવારે પણ વરસાદી હેલીઓ યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ખુશનુમાય ભાસી ઉઠ્યું હતું.

ગિરિમથક સાપુતારા ખાતે શુક્રવારે દિવસ દરમિયાન વરસાદી હેલીઓ વચ્ચે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન આહવા પંથકમાં 15 મિમી, વઘઇ પંથકમાં 14 મિમી, સુબિર પંથકમાં 09 મિમી જ્યારે સાપુતારા પંથકમાં 08 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ હવે ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...