ડાંગ જિલ્લાનાં વડા મથક આહવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન અને વિવિધ મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં પાર-તાપી અને નર્મદા લીંક પ્રોજેકટની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાનાં આહવામાં ડાંગ ભાજપ સંગઠન પ્રભારી સીતાબેન નાયક, ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં પેજ સમિતિ, બુથ સમિતિ સહિત માઈક્રો ડોનેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ ડાંગ જિલ્લાની મુલાકાતે આવનાર હોય જેથી તમામ કામગીરી પૂર્ણ કરવા માટે પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે હાંકલ કરી હતી. હાલમાં જ ડાંગ જિલ્લામાં ડેમ હટાવો અને ડાંગ બચાવો અંતર્ગત ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે અને વિસ્થાપન પામતા ગામડાઓમાં આદિવાસી સંગઠનોની મિટીંગ યોજાઈ રહી છે.
આ મિટીંગમાં સરકારની પાર-તાપી અને નર્મદા લીંક પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનારા મહાકાય ડેમોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા સમયથી આ ડેમનાં મુદ્દે ડાંગ જિલ્લામાં શાસક પક્ષ ભાજપાનાં મોટા નેતાઓએ સૂચક મૌન ધારણ કર્યુ હતું. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આખરે પાર-તાપી અને નર્મદા લીંક જોડાણનાં મુદ્દે ભાજપાનાં નેતા અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે સૂચક મૌન તોડી જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ડેમો અંગેનો વિરોધ અને લોકોની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં મહામંત્રી રાજેશભાઈ ગામીત, કિશોરભાઇ ગાંવિત, આઇટી સેલના ગિરીશભાઈ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ શકુન્તલાબેન પવાર, બુધુભાઈ કામડી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના પ્રમુખ મંત્રી, પ્રભારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.