તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂરથી ડુંગર રળિયામણાં:કુદરતને દૂરથી જ માણો, સેલ્ફી લેવા ગયા તો દંડ થશે

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા તરફ યાત્રિકો આકર્ષાવાના બદલે વિમૂખ થઈ જાય તેવી પરિસ્થિતિનું થયેલું નિર્માણ
  • સેલ્ફી પર પ્રતિબંધનો નિર્ણય આવકાર્ય પણ ડાંગના ડુંગરો પરથી વહેતાં ઝરણાં, ધોધ અને તળાવને પ્રવાસી નજીકથી માણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી

ડાંગ જિલ્લામા ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ મોટી નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમજ જિલ્લામા આવેલા નાના-મોટા ધોધ વગેરેમાં માછલા પકડવા, કપડાં ધોવા, નહાવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે તેમજ સહેલાણીઓ ગમે તે સ્થળે ઉભા રહીને મોબાઇલમાં ફોટા તેમજ સેલ્ફી લેવા જાય છે અને વહેતા પાણીના વહેણમા વહી જઈ મૃત્યુ થવાની સંભાવનાને ધ્યાને રાખી તંત્ર દ્વારા સેલ્ફી-ફોટોગ્રાફી જેવી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારા કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે એવી ચેતવણી અપાતા પ્રવાસીઓ વિમાસણમાં મૂકાયા છે. આગામી દિવસોમાં પર્યટકો પર તેની અસર જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે.

ડાંગ જિલ્લો ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઊઠે છે. ચોમાસા દરમિયાન ઉંચા પર્વતોમાંથી વહેતા ઝરણાંઓ નદી પરના ધોધ, ગ્રીનરી તેમજ ગિરિમથક સાપુતારા-વઘઈ ગીરાધોધ, બોટાનિકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઇટ, દેવીનામાળ, ડોન ડુંગર, ગીરમાળ ગીરાધોધ વાદળા નીચે ઉતરતા પ્રવાસીઓ માટે આહલાદક દૃશ્ય સર્જાય છે. જેને માણવા વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને ચોમાસામાં વલસાડ, નવસારી, સુરત, બારડોલી, વ્યારા, બરોડા, અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના નાસિકના પ્રવાસીઓ સહેલગાહે આવે છે અને છૂટા હાથે વેરેલા ડાંગના કુદરતી સૌંદર્યને માણી રહ્યાં છે.

ડાંગ જિલ્લો ડુંગરાળ પ્રદેશ છે, ઉપરવાસમાં વરસાદ થતા નદીઓ બંને કાંઠે વહે છે. નદીઓમાં પૂર આવતાં અનેકવાર અણબનાવો પણ બન્યા છે. આ અણબનાવ નહીં બને તે માટે ડાંગ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના પગલે પ્રવાસીઓની મુશ્કેલિ વધવાની શક્યતા છે, જો કે પોલીસ જોખમી જગ્યાએ સેલ્ફી કે ફોટોગ્રાફી કરનારા પર્યટકો સામે જ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

2 યુવાનનું અને ડૂબી જતાં 1 યુવતીનું મૃત્યુ થયું હોય તંત્ર સાવધ

  • સલામતી માટે ડાંગ જિલ્લામાં કડકાઈની સાથે સાથે સહેલાણીઓ માટે કુદરતી સૌંદર્ય માણવાની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવે તે પણ જરૂરી જણાય રહ્યું છે. જોખમી જગ્યાએ ડાંગમાં અલગ અલગ બનાવમાં સહેલાણીઓએ જીવ ગુમાવ્યાં છે.
  • 2019 ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના ટેબલ પોઈન્ટ પર સેલ્ફી લેતી વખતે સુરતનો યુવાન નીચે પડી જતા તેનું મૃત્યુ થયું હતું.
  • 2019માં સાપુતારાથી 5 કિ.મી.ના અંતરે આવેલા મહારાષ્ટ્ર રાજ્યના હતગઢના છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા પર સેલ્ફી લેતી વેળા સુરતનો યુવાન નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું.
  • 2021માં ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઇટમાં આવેલી નદીમાં સુરતનું પરિવાર નાહવા જતા યુવતીનો પગ લપસી જતા ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

જોખમી રીતે સેલ્ફી લેનારા સામે હુકમ
ડાંગ જિલ્લામાં ફરવા આવતા પ્રવાસીઓ સાથે અણબનાવ નહીં બને તે માટે તેમને જોખમી રીતે સેલ્ફી લેતા રોકવા માટે આ હુકમ કરાયો છે. > ટી. કે. ડામોર, ડાંગ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ

પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે પગલાં લેવામાં આવ્યાં છે
પ્રવાસીઓ પ્રવાસન સ્થળ પર જોખમી રીતે સેલ્ફી તેમજ ફોટોગ્રાફી લેશે તો તેની સામે જ કાર્યવાહી કરવામાં આવશે. આમ પ્રવાસીઓને તકલીફ પડે નહીં. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે આ પગલાં લેવાયા છે, જેનાથી પ્રવાસીઓએ ગભરાવાની જરૂર નથી. > રવિરાજ જાડેજા, પોલીસવડા, ડાંગ

અન્ય સમાચારો પણ છે...