કેન્દ્ર સરકારની પાર, તાપી અને નર્મદા રિવર લીંક પ્રોજેક્ટ યોજના રદ કરવા બાબતે દક્ષિણ ગુજરાતનાં ભાજપાનાં મંત્રીઓ તથા આગેવાનોએ મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં મહાકાય ડેમો નહીં બને તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તથા ભાજપાનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાતરી આપતા ડાંગ પંથકનાં લોકોએ મોટો હાશકારો અનુભવ્યો છે.
કેન્દ્રનાં બજેટમાં દક્ષિણ ગુજરાતમાં મહાકાય ડેમોની વાતો સામે આવતા આદિવાસી સમાજ ધ્રુજી ઉઠ્યો હતો. ડાંગ જિલ્લામાં પણ દાબદર, ચીકાર અને કેળવન એમ ત્રણ ડેમો બનશેનું ભૂત ફરી ધૂણી ઉઠતા ડાંગ સહિત દક્ષિણ ગુજરાતનાં આદિવાસી પટામાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વાંસદા, ધરમપુર અને ડાંગ વિસ્તારમાં પણ મહાકાય ડેમો બનનાર હોય જેથી અહી આદિવાસી સંગઠનોમાં ઉગ્ર વિરોધનો વંટોળ જાગ્યો હતો. પાર, તાપી અને નર્મદા લીંક પ્રોજેક્ટ યોજના રદ કરવા માટે છેલ્લા કેટલાય દિવસોથી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનાં નેતાઓની સભા મળી રહી હતી.
જેમાં ગત 28મીએ ધરમપુરમાં વાંસદાનાં ધારાસભ્ય અંનતભાઈ પટેલની આગેવાનીમાં આ ડેમોનાં વિરોધમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ડેમ હટાવોનાં નારા ગુંજતા કર્યા હતા. ડાંગ જિલ્લામાંથી પણ કોંગ્રેસનાં આગેવાનોમાં મોતીલાલ ચૌધરી, મુકેશભાઈ પટેલ અને રાકેશભાઈ પવારે આ ડેમોનો ઉગ્ર વિરોધ નોંધાવી લોકોને આગળ આવવા આહવાન કર્યું હતું.
પાર-તાપી, નર્મદા લીંક પ્રોજેક્ટ જોડાણની યોજનાનો દક્ષિણ ગુજરાતમાં દિવસેને દિવસે ઉગ્ર વિરોધનો વંટોળ વધી રહ્યો હતો. આખરે દક્ષિણ ગુજરાતનાં ભાજપાનાં મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ, જીતુભાઈ ચૌધરી, પૂર્ણેશ મોદી, નરેશભાઈ પટેલ, માજી કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા તથા ભાજપાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ડિરેકટર સુભાષભાઈ ગાઈન સહિતનાં નેતાઓએ બુધવારે રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલને મળી આ યોજનાને રદ કરવા અંગેની રજૂઆત કરી હતી.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાર-તાપી અને નર્મદા લીંક યોજના આદિવાસી સમાજનાં હિતને ધ્યાનમાં રાખી પડતી મુકવાની જાહેરાત કરતા ડાંગવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભાજપાનાં આગેવાનોને સંબોધીને જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતનાં આદિવાસી પ્રજાનાં હિતમાં હમેશા સરકાર રહી છે. આદિવાસી સમાજનું અહિત નહીં થાય તે માટેની મુખ્યમંત્રી અને અધ્યક્ષે ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.