ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તાર તથા સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં શનિવારે રાત્રીનાં અરસામાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં પાકોને નુકસાન થયુ હતુ. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવી જતા અહીના સમગ્ર પંથકોનું વાતાવરણ દ્વિભાસી પ્રતીત થયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે મોડી સાંજે અમીછાંટણા પડતા વાતાવરણમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલ ગામડાઓ તથા સરહદીય પંથકોનાં ગામડાઓમાં મોડી રાત્રે મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા પંથકમાં થોડાક અરસા માટે પડેલ મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકો સહીત બાગાયતી પાકોમાં ઘઉં, શાકભાજી, સ્ટ્રોબેરીને જંગી નુકસાન થયુ હતુ..
ડાંગ જિલ્લામાં શીતલહેર ફૂંકાતા મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. ગુગલ વેધર પ્રમાણે સાપુતારામાં તાપમાનનો પારો લઘુત્તમ 7 ડિગ્રી જ્યારે ગુરુત્તમ 23 ડીગ્રી અને આહવામાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી અને ગુરુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયો હતો. હાડ થીજાવતી ઠંડીમાં લોકો એ ગરમ કપડા અને તાપણાનો સહારો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.