વિવાદ:આહવાનાં ચર્ચમાં પ્રાર્થનાને લઇ બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, ફરીવાર તાળા લાગ્યા

આહવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિવાદનું કેન્દ્ર બનેલ આહવાનું ચર્ચ. - Divya Bhaskar
વિવાદનું કેન્દ્ર બનેલ આહવાનું ચર્ચ.
  • અગાઉ સુલેહ થતાં ચર્ચ ખોલાયું હતું, પરંતુ હાલ વિવાદથી જિલ્લા મેજીસ્ટ્રેટે િનર્ણય લીધો

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલા ચર્ચમાં પ્રાર્થના સભાને લઈને સી.એન.આઈ ચર્ચ અને ચર્ચ ઓફ ધી બ્રધરનનાં પ્રતિનિધિઓ વચ્ચે વિવાદ વકરતા જિલ્લા મેજિસ્ટ્રેટ ડાંગ આહવા દ્વારા ચર્ચને ફરી બંધ કરી દેવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં ખ્રિસ્તી સમુદાયનું જૂનામાં જૂનુ ચર્ચ આવ્યુ છે પરંતુ આ ચર્ચમાં પણ પ્રાર્થના સભા અને તહેવારોની ઉજવણીને લઈને સી.એન.આઈ ગ્રુપ અને ચર્ચ ઓફ ધી બ્રધરન ગ્રુપનાં અનુયાયીઓ વચ્ચે વિવાદ વકરતા પ્રશ્ન પેચીદો બન્યો છે.

સી.એન.આઈ ચર્ચ આહવાનાં સેક્રેટરી શારોનભાઈ માહલેએ જિલ્લા મેજિસ્ટ્રેટ ડાંગ આહવા સમક્ષ આહવાનાં સી.એન.આઈ ચર્ચનાં અનુયાયીઓને 1લીથી 30મી એપ્રિલ સુધી ઉપવાસ, પ્રાર્થના તથા આગામી દિવસમાં શરૂ થનાર દુઃખ સહન સપ્તાહની સભાઓ અને ગુડ ફ્રાઈડે અને ઇસ્ટરનાં પવિત્ર તહેવારની ઉજવણી માટે મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ આહવાની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ ચર્ચ ખોલી આપવા માટે 10મી માર્ચે અરજી કરીને મંજૂરી માંગી હતી.

આ અરજીનાં સંદર્ભમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નાયબ પોલીસ અધિક્ષક એસ.સીએસ.ટી સેલ ડાંગ આહવા, મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ આહવા-ડાંગની હાજરીમાં સી.એન.આઇ ચર્ચ, આહવાનાં પ્રતિનિધિઓ અને ચર્ચ ઓફ ધી બ્રધરનનાં પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં ચર્ચ ઓફ ધી બ્રધરનનાં પ્રતિનિધિમાં રણજીતભાઈ જ્ઞાનરંજનભાઈ મોહંતી હાજર રહ્યા ન હતા.

આ બેઠકમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તથા ધાર્મિક રીતે કોઈને પણ ઠેસ નહીં પહોંચે તે માટે ડાંગ જિલ્લાનાં અધિકારીઓએ સી.એન.આઈનાં પ્રતિનિધિઓ જોડે ચર્ચા વિચારણા કરી શરતોને આધીન પ્રાર્થના સભા માટે ચર્ચ ખોલી આપવામાં આવ્યું હતું પરંતુ ચર્ચ ઓફ ધી બ્રધરનનાં આગેવાન દ્વારા સી.એન.આઈ.ચર્ચ આહવાનાં અનુયાયીઓને પ્રાર્થના સભામાં ચર્ચમાં પ્રવેશવા દીધા ન હતા, જેથી ફરીથી વિવાદ વકર્યો હતો.

​​​​​​​ચર્ચમાં સી.એન.આઈ આહવાનાં અનુયાયીઓને પ્રવેશ નહીં મળતા તેઓએ પવિત્ર સપ્તાહ દરમિયાન બહાર મંડપમાં પ્રાર્થના સભાઓ કરવાની નોબત ઉઠી હતી અને પ્રાર્થના સભામાં બેસવાનાં મુદ્દે ફરી વિવાદ વકરતા સી.એન.આઈનાં આગેવાનોએ જિલ્લા મેજિસ્ટ્રેટને અરજ ગુજારી ઘટતી કાર્યવાહીની માંગ કરી હતી. હાલમાં ખ્રિસ્તી સમુદાયનાં તહેવારો પૂર્ણ થયા છે. આ સાથે સી.એન.આઈનાં આગેવાનોની અરજીને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ આહવા મામલતદાર દ્વારા વિવાદને લઈને ચર્ચને તાળુ મારી ફરી બંધ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...