અણઘડ વહીવટ:સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસી પ્રવેશથી વંચિત

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમમાં માત્ર 150 પ્રવાસીઓને જ પ્રવેશ આપતા બાકી રહેલ પ્રવાસીઓએ છેવટે ગેટ ઉપર હલ્લા બોલ કરતા ગુજરાત પ્રવાસન વિભાગનાં અણઘડ વહીવટની પોલમ પોલ ખુલી ગઈ હતી.

રવિવારે વિકેન્ડની રજાઓની મઝા માણવા માટે મોટી સંખ્યામાં સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી પડતા ઠેરઠેર સ્થળોએ હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારાનાં બોટીંગ,ટેબલપોઈંટ, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ, સ્વાગત સર્કલ સહીતનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ નાના મોટા અસંખ્ય વાહનોનાં કાફલા સાથે ઉમટી પડતા આ સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ જોવાલાયક સ્થળોએ ખોટકાયેલા વાહનોને ખસેડીને સાપુતારા પોલીસનાં જવાનોએ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી.

વધુમાં 6ઠ્ઠી ઓગષ્ટથી પ્રારંભ કરાયેલ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમને માણવા માટે રવિવારે ડોમ નજીક પ્રવાસીઓની લાઈનો લાગી હતી. અહી મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માત્ર 150 પ્રવાસીઓને જ પ્રવેશ આપતા બાકી ગેટ પાસે રાહ જોતા પ્રવાસીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. રવિવારે સાંજનાં સુમારે મોન્સૂન ડોમમાં પ્રવેશ ન મળતા રઘવાયેલુ બનેલ સુરતનાં એક પ્રવાસી ગ્રુપે રકઝક પર ઉતરી ડોમમાં ઘુસી જતા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રવાસીઓ જણાવી રહ્યા હતા કે, ટુરિઝમ વિભાગ પ્રવાસીઓના હિતમાં નિર્ણય લે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...