શિક્ષણ:ડાંગ જિલ્લામાં ધોરણ-11ના નવ વર્ગોની ઘટ, 654 વિદ્યાર્થીના પ્રવેશ અંગે ઉભો થયેલો પ્રશ્ન

આહવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધોરણ-10 માં 3909 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાંથી 3255ને જ ધો-11માં પ્રવેશ અપાયો
  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ વર્ગ વધારવા રજૂઆત કરવા માટે વાલીઓના રોજબરોજ ધરમધક્કા

ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી. બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની છે. ડાંગ જિલ્લામાં ધોરણ-11નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીના પ્રવેશનો પ્રશ્ન બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કર્યું હતું. ડાંગ જિલ્લામાંથી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા માટે કુલ 3909 વિદ્યાર્થી નોંધાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન જાહેર કરતા તમામ 3909 વિદ્યાર્થી પાસ થયા છે ત્યારે ડાંગમાં ધોરણ-11નાં વર્ગોની ઘટ પડતા વિદ્યાર્થીઓ અટવાયા છે. ડાંગ જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરીમાંથી મળતી વિગતો મુજબ ડાંગ જિલ્લામાં ધોરણ-11ની સામાન્ય પ્રવાહની કુલ 26 ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 37 વર્ગ ચાલે છે, જે 37 વર્ગમાં 75 વિદ્યાર્થી મુજબ કુલ 2640 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જિલ્લામાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહની 10 શાળામાં 10 વર્ગ ચાલે છે.

જેમાં 615 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે, તેવામાં ડાંગમાં એસ.એસ.સીમાં 3909 વિદ્યાર્થી પાસ થયા છે, જેમાંથી ધોરણ-11માં 3255 વિદ્યાર્થીને જ પ્રવેશ મળ્યો છે. જ્યારે જિલ્લામાં ધોરણ 11નાં 9 જેટલા વર્ગની ઘટ નોંધાતા હાલમાં 654 જેટલા આદિવાસી વિદ્યાર્થી પ્રવેશથી વંચિત બન્યાં છે. ધોરણ 11નાં વર્ગનાં અભાવે પ્રવેશથી વંચિત ગરીબ વિદ્યાર્થીઓ રોજેરોજ પ્રવેશ મેળવવા ધરમધક્કા ખાઈ રહ્યાં છે. સાથે તેઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

જેથી આદિવાસી બાળકોનાં હિત માટે વનબંધુ કલ્યાણનાં વિકાસની વાતો કરતી ભાજપા સરકાર આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે. ડાંગમાં ધોરણ 11 ના 9 વર્ગો ઘટી જતાં આ બાબતે સામાજીક અગ્રણીઓએ જિલ્લા શિક્ષણ અિધકારીની કચેરીમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આ પ્રવેશ વંચિતોને પ્રવેશ ન અપાય તો આગામી સમયમાં વાલીઓની સમસ્યાઓમાં વધારો થવાની સંભાવના છે.

અન્ય શાળામાં ધો-11 ના વર્ગમાં 75 વિદ્યાર્થીઓ જ્યારે ડાંગની એકલવ્ય શાળામાં માત્ર 30 છાત્ર
ગુજરાત સરકારનાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ મળી રહે તે માટે કુલ 8 જેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા શરૂ કરવામાં આવી છે. ડાંગની આ અતિ આધુનિક અને સુવિધાસભર શાળામાં ધોરણ-11નાં માત્ર 4 જેટલા વર્ગમાં 30 મુજબ 120 બાળકોને જ પ્રવેશ અપાયો છે. ડાંગ જિલ્લાની સરકારી અને અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-11માં એક વર્ગમાં 75 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે વનબાંધવોનાં બાળકો માટે નિર્માણ કરાયેલી એકલવ્ય શાળાઓમાં હાલમાં એક વર્ગમાં માત્ર 30 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. હાલમાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી બાળકો માટે નિર્માણ કરાયેલ એકલવ્ય શાળાઓમાં સ્થાનિક ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકો જ પ્રવેશથી વંચિત રહી જતા વનબાંધવોનો ગતિશીલ શિક્ષણનો વિકાસ નિર્થક સાબિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...