કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જિલ્લા પંચાયતમાં 18માંથી 17 પર ભાજપે આઅને 1 પર કોંગ્રેસ વિજય મેળવ્યો છે. જ્યારે તાલુકા પંચાયતમાં 48 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપ અને 7 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે.
ડાંગ જિલ્લામાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો
ખાસ કરીને ડાંગ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયેલ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે સૌથી ટફ ગણાતી કોશીમદા બેઠક પર ઉમેદવારી નોંધાવી કોંગ્રેસને ચેલેન્જ આપી હતી. જેમણેએ કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી કોશિમદા-12 જિલ્લા પંચાયતની સીટ ઉપર જ્યાં આજદિન સુધી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે ત્યાંના કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર રાજેશભાઈ ગામીતને હરાવી ઇતિહાસ રચી દીધો છે. કોશીમદા બેઠક જીતવી એ માત્ર ઉમેદવાર નહીં પરંતુ કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો માટે પણ જરૂરી હતી. ત્યારે અહીં આયાતી ઉમેદવાર તરીકે પણ મંગળ ગાવીતે જીત હાંસલ કરી ડાંગ જિલ્લામાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો છે. મંગળ ગાવીતની જીતથી જિલ્લા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ઉત્સાહ વધી ગયો છે.
ભાજપનો ભગવો લહેરાયો
ડાંગ જિલ્લામાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની 13 સંસ્થાની ચૂંટણીમાં કોરોના સંક્રમણના ભય કે 37 ડીગ્રી ગરમીની પરવા કર્યા વગર મતદારોએ અમૂલ્ય મત આપવા અનેરો ઉત્સાહ દર્શાવતા લોકશાહીમાં પ્રાણ પુરાયા છે. સૌથી વધુ ડાંગ જિલ્લા પંચાયત અને આહવા, સુબીર અને વઘઇ તાલુકા પંચાયતમાં 74.57 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. જિલ્લામાં ભાજપના 2 અને તાલુકા પંચાયતના 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે. જિલ્લા પંચાયત 5 અને તાલુકા પંચાયતની 7 બેઠક ઉપર ભાજપનો ભગવો અને કોંગ્રેસની 2 તાલુકા પંચાયત ઉપર જીત મેળવી છે.
બરડા બેઠક પર 83.08 ટકા નોંધાયું
ડાંગ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 18 પૈકી 16 બેઠકો માટે મતદાન થયું હતું. જિલ્લામાં સરેરાશ મતદાન 74.57 ટકા નોંધાયું હતું. જિલ્લામાં સૌથી વધુ મતદાન બરડા બેઠક પર 83.08 ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન આહવા-1 બેઠક પર 64.95 ટકા નોંધાયું હતું. જેને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ગરમાટો આવ્યો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આવેલા ત્રણ તાલુકામાં વઘઇ તાલુકામાં સૌથી વધુ 79.86 ટકા નોંધાયું હતું. જ્યારે બીજા નંબરે આહવા તાલુકા પંચાયતનું 74.74 ટકા અને સુબીર તાલુકા પંચાયતનું 70.89 ટકા મતદાન નોંધાયું હતું. ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1,64,186 મતદારો નોંધાયા હતા, જેમાં 82544 પુરુષ અને 81642 સ્ત્રી મતદારો હતાં.
2015નું રિઝલ્ટ
2015માં ડાંગ જિલ્લાની 18 બેઠકો પૈકી 9 બેઠક પર ભાજપ અને 9 બેઠક પર કોંગ્રેસ વિજય મેળવ્યો હતો. જ્યારે તાલુકા પંચાયતમાં 48 બેઠકમાંથી 25 પર ભાજપે અને 22 બેઠક પર કોંગ્રેસ વિજય મેળવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.