તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આહવા MLA-સુબીર તાલુકા પંચાયત અધ્યક્ષની પત્નીને જગ્યા ફાળવતા વિવાદ

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રી, ગણપતિ જેવા ધાર્મિક કાર્યક્રમ અને ગરીબ શાકભાજીવાળા રોજી-રોટી મેળવે છે તે જગ્યા જ છીનવાઇ ગઇ

ડાંગ જિલ્લાનાં મુખ્ય આહવા નગરનાં લોકો જયાં નવરાત્રી, ગણપતિ જેવા ધાર્મિક કાર્યક્રમ કરે છે અને ગરીબ શાકભાજીવાળા પાથરણા પાથરી રોજી-રોટી મેળવે છે તે જગ્યા જિલ્લા કલેકટરે ભાજપનાં ધારાસભ્યની પત્ની અને અન્ય એક મહિલાને જમીન ફાળવી દેતા લોકોમાં રોષ ફેલાયો છે. ગામનાં જાગૃત નાગરિકોએ બાંધકામ અટકાવવા માંગણી કરી છે.

ડાંગના મુખ્ય મથક આહવા નગરનાં સિટી સરવે નં.44/A સરકારી જમીનમાંથી ડાંગ આહવાનાં કલેકટર હુકમ ક્રમાંક જમન-1 /વશી– 3917થી 3932/2019 તા.22-11-2019 આધારે વાણિજય હેતુ માટે 16.00 ચો.મી જમીન નવી અવિભાજય અને વિક્રિયાદિત નિયંત્રીત શરતે કાયમી ધોરણે વેચાણથી હાલનાં ધારાસભ્ય વિજયભાઈનાં પત્ની હંસાબેન વિજયભાઈ પટેલને ફાળવણી કરવામાં આવી છે.

તેને જ અડીને ડાંગ આહવાનાં કલેકટરના હુકમ ક્રમાંક જમન-1/ વશી-44088 થી4099/2019 તા.23-12-2019નાં આધારે વાણિજય હેતુ માટે 16.00 ચો.મી જમીન નવી અવિભાજય અને વિક્રિયાદિત નિયંત્રીત શરતે કાયમી ધોરણે વેચાણથી સુનિતાબેન રતિલાલભાઈ રાઊતને હુકમથી ફાળવણી કરવામાં આવી છે. જે સરકારી જમીન હતી, જયાં હાલ અંબામાતાનું મંદિર છે.

બીજુ રોડ માર્જિનની જમીનમાં વર્ષોથી શાકભાજીવાળા પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરી ભરણપોષણ કરતાં આવ્યાં છે. જયારે વર્ષો આહવા નગરનાં લોકો અહીં અંબામાતાનાં મંદિરનાં પટાંગણમાં માતાનાં નોરતાં બેસાડવામાં આવે છે તેમજ ગરબા રમતાં હતાં. જયારે ગણેશત્સવ દરમિયાન અહીં ગણપતિબાપાની પ્રતિમા બેસાડી પુજા- અર્ચના કરવામાં આવે છે. આમ છતાં ધારાસભ્ય વિજયભાઈનાં પત્ની હંસાબેન તથા સુબીર તાલુકા પચાયતનાં કારોબારી અધ્યક્ષ રતિલાલભાઈની પત્નીને ફાળવણી કરવામાં આવતાં આહવાનાં લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.

નોંધનીય છે કે સ્વ. દિવ્યાંગ અરવિંદભાઈ સદયાભાઈ પવારે અહીનાં સિટી સરવે નં.44-અ માં ધંધા માટે જમીનની માંગણી કરી હતી પરંતુ તેમને જમીન ફાળવાઈ ન હતી. આ જગ્યા પર જાહેરહિત તથા ધાર્મિક કાર્યક્રમ થતાં હોવાનું કારણ ધરી જમીન ફાળવણી કરવાની ના પાડી હતી. જયારે કેટલાક જમીન માટે અરજી કરનાર અરજદારોને આ જમીન રોડ માર્જિનમાં આવતી હોવાનું કારણ ધરી જમીન ફાળવણી કરવા ના પાડી હતી.

જયારે અહીં પ્લોટ ધરાવતાં માલિકો સાથે તેઓએ નામ નહીં છાપવવાની શરતે જણાવ્યું હતું કે અમે જયારે અમારા પ્લોટમાં દુકાનોનું બાધકામ કરતાં હતાં ત્યારે સ્ટેટ માર્ગે મકાનનાં ઈજનેરે મુખ્ય રસ્તાથી 30 મીટરની જગ્યાં છોડી બાધકામ કરવા જણાવ્યું હતું. આજે એ જ સરકારી જમીન હાલનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલનાં પત્ની હંસાબેન અને રતિલાલભાઈ રાઊતનાં પત્નીને ફાળવી છે, તેમ છતાં સ્ટેટ માર્ગ-મકાન વિભાગે વિરોધ કર્યો નથી કે રોડ માર્જિનની જમીન અંગે સ્પષ્ટતાં કરી નથી.

જે તે સમયનાં જિલ્લા કલેકટરે મોકાની રોડટચ સરકારી રોડ માર્જિનની જમીન ધારાસભ્યની પત્ની હંસાબેન અને સુબીર કારોબારી અધ્યક્ષની પત્ની સુનિતાબેનને ફાળવણી કરી દેવાતા લોકોમાં રોષ ફેલાયો છે.

જમીન પર બાંધકામ ચાલુ છે જે અટકાવી દેવુ જોઈએ
આહવાનાં સિટી સરવે નં. 44-અ ભંડાર ચોક ખાતે વર્ષોથી નવરાત્રી અને ગણપતિનો ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે. જયારે અહીં વર્ષોથી શાકભાજીનાં વેપારી પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે, તેમ છતાં સત્તાધારી પાર્ટીનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલની પત્ની અને રતિલાલભાઈની પત્નીને સરકારી રોડ માર્જિનની જમીન ફાળવવામાં આવી છે અને હાલ બાધકામ ચાલુ છે, જે બાંધકામ તાત્કાલિક અટકાવી દેવું જોઈએ. જો બાંધકામ નહી અટકાવવામાં આવશે તો અગામી દિવસોમાં જલદ આંદોલન કરીશું. સામાન્ય માણસ જયારે આહવામાં રહેઠાણ માટે 100 વારનો પ્લોટની માંગણી કરે તો પણ તેઓની અરજી નામંજૂર કરે છે જયારે ભાજપનાં મોટાભાગનાં ચૂંટાયેલાં પદાધિકારીઓનાં પ્લોટ છે. > સ્નેહલ ઠાકરે, કાર્યકારી પ્રમુખ, ડાંગ કોંગ્રેસ

બાંધકામ નહીં અટકાવાશે તો આવેદન પાઠવી ધરણા પ્રદર્શન કરી દેખાવ કરાશે
સરકારી રોડ માર્જિન અને ધાર્મિક કાર્યક્રમો થાય છે એ જમીન ભાજપનાં ધારાસભ્યની પત્ની હંસાબેન અને રતિલાલભાઈની પત્ની સુનિતાબેનને ગેરકાયદેસર ફાળવણી કરવામાં આવેલી છે. જયારે સામાન્ય નાગરિકોને આહવામાં જમીનમાં પ્લોટની ફાળવણી કરવામાં આવતી નથી. અહીં વર્ષોથી શાકભાજી પાથરણા પાથરી રોજી-રોટી મેળવે છે તેઓની રોજી છીનવી પ્લોટની ફાળણી કરવામાં આવી છે, જે બાંધકામ નહીં અટકાવવામાં આવે તો અમે આવેદનપત્ર પાઠવી ધરણા કરીશું. > મહેશભાઈ આહિરે, પ્રમુખ, ડાંગ બહુજન સમાજ પાર્ટી

કેમ અસંતોષ છે તે ખબર નથી
આ પ્લોટ અમને બે વર્ષ અગાઉ કલેકટરે તપાસ કર્યા બાદ ફાળવણી કર્યા છે. લોકોને કેમ અસંતોષ છે તેની મને જાણ નથી. > રતિલાલ રાઉત, કારોબારી અધ્યક્ષ, સુબીર તા.પં.

પ્લોટની માંગણી કરતાં તપાસ બાદ જિલ્લા કલેકટરે ફાળવણી કરી છે
મારી પત્ની અને રતિલાલભાઈની પત્નીએ તંત્ર પાસેથી પ્લોટની માંગણી કરી હતી. જે તપાસ બાદ જિલ્લા કલેક્ટરે ફાળવણી કરેલી છે. લોકોને અસંતોષ હોય તો અમે એ લોકો સાથે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવીશું. > વિજયભાઈ પટેલ, ધારાસભ્ય, ડાંગ

અન્ય સમાચારો પણ છે...