સાગી ચોરસાની હેરાફેરી:ચીચીનાગાંવઠા રેંજે સાગી ચોરસા સાથે 1.85 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાની ચીચીનાગાંવઠા રેંજની વનકર્મીઓની ટીમે નડગખાદી દાવદહાડ નજીકનાં માર્ગમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા ભરેલ પીકઅપ વાનને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા વીરપન્નોમાં ફફડાટ મચી ગયો છે.

હાલમાં જ દેશભરમાં ધૂમ મચાવી રહેલ પુષ્પા ફિલ્મનું અનુસરણ ડાંગ જિલ્લામાં વધી રહ્યું છે. પુષ્પા ફિલ્મનાં અભિનેતા પુષ્પરાજની જેમ ડાંગ જિલ્લામાં ઇમારતી લાકડાની તસ્કરી વધી છે પરંતુ સામે વનકર્મીઓની ટીમની બાજ નજરનાં પગલે ડાંગ જિલ્લામાં પુષ્પરાજનું અનુકરણ કરનારા વીરપન્નો કારગતો નિષ્ફળ ગયા છે. ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડીસીએફ નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ગતરોજ ચીચીનાગાવઠા રેંજનાં આરએફઓ ગણેશભાઈ ભોયે ફોરેસ્ટ શંકરભાઈ પટેલ તથા બીટગાર્ડ જીતેન્દ્રભાઈ ગવળીની ટીમ ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમાં લાગુ પીંપરી-આહવા મેઈન રોડ પર આવેલ નડગખાદી દાવદહાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે અરસામાં તેઓને બાતમી મળી હતી કે સફેદ કલરની પીકઅપ વાન (નં. જીજે-05-એયુ-1210)માં ગેરકાયદેસર સાગી ચોરસાનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો છે. જેથી આરએફઓ ગણેશભાઈ ભોયેની વનકર્મીઓની ટીમે આ પીકઅપ વાનને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા નાસી છૂટી હતી. આ પીકઅપવાનનાં ચાલકે ગાડીને નડગખાદીથી હનવતચોંડ તરફ જતા ચડાણવાળા માર્ગે હંકારી જઈ ધીમી પાડી નાસી છૂટ્યો હતો. ચિચીનાગાવઠા રેંજ વિભાગ દ્વારા પીકઅપમાં ચેકિંગ કરતા ભાતની ફુસકીઓની આડમાં નીચે સંતાડેલ પાસ અને પરમિટ વગરના 6 નંગ સાગી ચોરસા 0.954 ઘનમીટર અંદાજીત રૂ. 35,000 હજાર ઝડપી પાડ્યા હતા. તેમણે લાકડા સહિત પીકઅપ વાન રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાની ચીચીનાગાવઠાનાં રેંજ કર્મીઓએ ચાલુ સપ્તાહમાં બીજી વખત પુષ્પરાજની ભૂમિકા અદા કરનાર વીરપન્નોનાં કિમીયાને નિષ્ફળ બનાવતા વીરપન્નોમાં ફફડાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...