અકસ્માત:શામગહાન-બારીપાડા વચ્ચે કાર અડફેટે બાઇકચાલક જીઆરડી યુવાનનું મોત

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામ જઇ રહેલા યુવાન સાથે બનેલી ઘટના
  • વધુ સારવાર મળે તે પહેલા જ રસ્તે જ દમ તોડ્યો

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન-બારીપાડા ગામ વચ્ચે કાર ચાલકે સ્થાનિક બારીપાડાનાં બાઈક ચાલકને અડફેટમાં લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલક જીઆરડી યુવાનનું ગંભીર ઈજાનાં પગલે સારવાર માટે લઈ જતી વેળાએ અડધે રસ્તો મોત નિપજ્યું હતું.

સુરત તરફથી શુક્રવારે કપડાનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં ડીંડોરી જઈ રહેલ કાર (નં. એમએચ-15-એચજી-5192)નાં ચાલકે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શામગહાનથી બારીપાડાની વચ્ચે શામગહાન તરફથી બાઈક (નં. જીજે-30-બી-4935) પર સવાર થઈ બારીપાડા ગામ જઈ રહેલા જીઆરડી યુવાન હેમંતભાઈ બાળુભાઈ દેશમુખને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં બાઈકચાલક ફંગોળાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સીએચસીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અહીં હેમંતભાઈની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે બીલીમોરા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. પરંતુ ગંભીર ઈજાનાં પગલે તેમનું સારવાર માટે લઈ જતી વેળાએ અડધે રસ્તે જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં બાઈકનો ખુરદો બોલી ગયો હતો. કારનાં બોનેટનાં ભાગે નુકસાન થયું હતું. આ બનાવની જાણ સાપુતારા પોલીસને થતા અહેકો વી.ડી ગોહિલની ટીમ તુરંત જ દોડી ગઈ હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...