આવેદન:ડાંગની બરડીપાડા ગ્રામ પંચાયતમાં BSNL ટાવર ચાલુ કરવા અંગે ડીડીઓને આવેદન

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 પૈકી 5 ટાવર કાર્યરત જ્યારે 6 હજુ બાકી રહેતા જનએક્તા સંગઠનની રજુઆત

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ બરડીપાડા ગ્રામ પંચાયતમાં BSNL ટાવર ચાલુ કરવા બાબતે જાગૃત આદિવાસી જનએકતા સંગઠન દ્વારા શનિવારે જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડાંગ BSNLનાં મેનેજિંગ ડિરેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં નેટવર્ક એક મોટી સમસ્યા બની ગઈ છે. અહીં મુખ્ય મથક છોડીને અંતરિયાળ વિસ્તારમાં પ્રવેશ કરો તો નેટવર્ક શોધવું પડે છે. સ્માર્ટફોન અને 4gની નેટવર્કનાં સમયમાં ટેકરીવાળી જગ્યાએ લોકોને નેટવર્ક શોધવા માટે જવુ પડે છે. ડાંગ જિલ્લામાં કોરોનાનાં સમયે લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થતા ઓનલાઈન શાળા ચાલુ કરવાની ફરજ પડી હતી ત્યારે આ વિસ્તારમાં દૂર દૂર સુધી નેટવર્ક નહી આવતા સ્થાનિક આગેવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

જે બાદ ડાંગ જિલ્લામાં 6 BSNLનાં ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ગલકુંડ, ઝાવડા, કલમખેત, કસાડબારી, પોળસમાળ અને ચીંચવિહીરમાં હાલ નેટવર્કનાં ટાવર તૈયાર છે. જોકે હજી સુધી નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યા નથી ત્યારે જિલ્લાનાં નેતાઓ ચૂંટણી નજીક આવવાની સાથે ખાતમુહૂર્ત કરવાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યુ છે. જાગૃત આદિવાસી એકતા જન સંગઠને શનિવારે આવેદન આપતા જણાવ્યું હતું કે જો ટાવર ચાલુ કરવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ પર ઉતરી જશે. ડાંગ જિલ્લામાં BSNLનાં કુલ 31 ટાવરો કાર્યરત છે, જેમાંથી 26 ટાવરો પહેલાથી જ કાર્યરત હતા.

જે બાદ પ્રજાની માંગને લઈ રાજ્ય સરકાર દ્વારા બીજા 11 ટાવરોની મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી હાલ 5 ટાવરો ચાલુ છે અને 6 ટાવરો ચાલુ કરવાનાં બાકી છે. જેથી ટાવર ચાલુ કરવા બાબતે આવેદનપત્ર અપાયું છે.

વીજ કનેકશનના કારણે અમુક ટાવરો ચાલુ કરાયા નથી
વીજ કનેક્શનનાં કારણે અમુક ટાવરો ચાલુ કરવામાં આવ્યા નથી પરંતુ ટૂંક સમયમાં જ દરેક ટાવરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. > વિજયભાઈ પટેલ, ધારાસભ્ય, ડાંગ

અન્ય સમાચારો પણ છે...