ખાનગીકરણ સામે વિરોધ:આહવાની ચીખલીની મા.શાળાને તાળાબંધી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગીકરણ સામે ગ્રામવાસીઓ વિફર્યા, શાળાના ગેટે નોટિસ ચીપકાવી દેતા ખળભળાટ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની સરકારી માધ્યમિક શાળા નડગચોંડ અને આહવા તાલુકાની સરકારી માધ્યમિક શાળા ચીખલીને રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા 30 વર્ષનાં મુદતે અને દત્તક ધોરણે ભારતીય સંવર્ધન ટ્રસ્ટ સાંદિપની વિદ્યાસંકુલ પોરબંદરને સોંપી છે.

ડાંગ જિલ્લાની આ બે સરકારી માધ્યમિક શાળા ગ્રામજનોની સંમતિ લીધા વગર સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાતા છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ડાંગ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓનાં ખાનગીકરણનાં વિરોધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત સ્થાનિક ગ્રામજનોએ આગળ આવી સંબધિત વિભાગોને આવેદનપત્ર સુપરત કરી આ શાળાઓનું ખાનગીકરણ નહીં થાય અને સરકાર ચલાવે તેવી માંગણી કરી છે.

બુધવારે ડાંગ જિલ્લાનાં ચીખલી સરકારી માધ્યમિક શાળાનો ચાર્જ ખાનગી સંસ્થાનાં સંચાલકો લેવા આવી રહ્યાની જાણ ચીખલી ગામના ગ્રામજનોને થતા વિફર્યા હતા અને શાળાએ ધસી ગયા હતા. ગ્રામજનોએ શાળામાં ધસી જઈ શાળાનાં ગેટને નોટિસ ચિપકાવી દઈ તાળાબંધી કરતા ખળભળાટ મચી ગયો હતો. ગ્રામજનોએ શાળાના ગેટ પર નોટિસ ચિપકાવી જણાવ્યું છે કે સ્કૂલનો જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ સ્કૂલ બંધ કરવામાં આવે છે.

ગ્રામજનોને સંચાલક મંડળ જોડે બેઠકની તક આપી હતી
સરકારી માધ્યમિક શાળા ચીખલીમાં ખાનગીકરણનાં વિરોધમાં ગ્રામજનોએ જે તાળાબંધી કરી છે તે અયોગ્ય છે. ગ્રામજનોને અમોએ સંચાલક મંડળ જોડે બેઠકની તકો આપી હતી. જે બેઠક થઈ નહીં હોવા છતાં ગ્રામજનોએ અમોને જાણ કર્યા વગર શાળાની તાળાબંધી અને ગેટ પર નોટિસ ચોંટાડી દીધી છે. સરકારી મિલકત સાથે ચેડા કર્યા છે. આ બાબતે અમો યોગ્ય પગલાં ભરીશુ. > એમ.સી.ભૂસારા, શિક્ષણાધિકારી, ડાંગ જિલ્લો

અન્ય સમાચારો પણ છે...