તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ડાંગના સાકરપાતળમાં 13 અને 14મી માર્ચે રાજયકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાશે

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના 25 જિલ્લાના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે

ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા 16 વર્ષથી નીચેના સબ જુનિયર ભાઈઓ-બહેનો માટે રાજયકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં રાજ્યનાં 25 જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે. 13 અને 14 માર્ચે યોજાનાર આ સ્પર્ધા વઘઇ તાલુકાના સાકરપાતળ ગામે યોજાશે. ડાંગ જિલ્લામાંથી વિશ્વ ફલક ઉપર નામ રોશન કરનાર આંતરરાષ્ટ્રીય દોડવીર સરીતા ગાયકવાડ અને મુરલી ગાંવિત આજે યુવાઓમાં મન મક્કમ હોય તો માળવે જવાયની પ્રેરણા પુરી પાડે છે.

તેવામાં ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા પણ રાજયકક્ષાની કબડ્ડીની રમતનું આયોજન કરાયું છે. વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામે સબ જુનિયર (16 વર્ષથી નાના) ભાઈઓ- બહેનો માટે કબડ્ડી સ્પર્ધાનું યોજાનાર છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં 25 જેટલા જિલ્લાના ખેલાડીઓ ભાગ લેનાર છે. 13 અને 14મી માર્ચે યોજાનાર આ સ્પર્ધામાં ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ પહેલા વડોદરામાં યોજાયેલી રાજયકક્ષાની અંડર-19 ભાઈ-બહેનોની કબડ્ડી સ્પર્ધામાં ડાંગ જિલ્લામાંથી ભાઈઓમાં રાઉત સૂર્યવીર કાશીરામભાઈ (મુ.ડોકપાતળ. તા.વઘઇ) તથા બહેનોમાં જાદવ રવિનાબેન જગન્નાથભાઈ (મુ. સાકરપાતળ, તા.વઘઇ)ની નેશનલ લેવલે પસંદગી થઈ છે.

જેઓ આવનાર સમયમાં હૈદરાબાદમાં નેશનલ લેવલની કબડ્ડી રમતમાં ભાગ લેશે. ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશનનાં પ્રમુખ સુભાષભાઈ ગાઇન, ઉપપ્રમુખ કિશોરભાઈ ગાંવિત, ખજાનચી મંગલેશભાઈ ભોયે, મંત્રી પ્રદીપકુમાર મોર્યએ આ ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. આ સાથે 13-14મી માર્ચે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામે યોજાનાર રાજયકક્ષાની કબડ્ડી સ્પર્ધા બાબતે ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશનનાં પ્રમુખ સુભાષભાઈ ગાઇન અને ઉપપ્રમુખ અને આયોજક કિશોર ગાંવિતે જણાવ્યું હતું કે કબડ્ડી રમવા ગુજરાતનાં ખેલાડીઓને તેઓ આમંત્રણ આપે છે તેમજ રમતવીરો ખેલદિલીપૂર્વક રમત રમીને વિજેતા બને તેવી શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...