દુર્ઘટના:ગાઢવિહીર ગામે શોર્ટસર્કિટથી આગ લાગતા ઘર બળીને ખાખ

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગાઢવિહીર ગામે એક આદિવાસી પરિવારનાં ઘરમાં શોર્ટ સર્કિટનાં કારણે આકસ્મિક આગ લાગતા સ્થળ પર ઘરવખરી સહિત ઘર બળીને ખાખ થઈ જતા મોટુ નુકસાન થયાની વિગતો બહાર આવી છે.

ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી અને આહવા તાલુકાનાં ગાઢવિહીર ગામે રહેતા સોમાભાઈ ગોપેભાઈ બરડે પોતાના પરિવાર સાથે ગુજરાન કરી રહ્યા છે. સોમાભાઈ બરડેનાં ઘરમાં ગતરોજ રાત્રિનાં અરસામાં શોર્ટ સર્કિટનાં પગલે આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં સ્થળ પર આગ બેકાબુ બનતા ઘરમાં રહેલ ઘરવખરીનાં સાધનો, અનાજ સહિતની સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

આ બનાવની જાણ ગ્રામજનોને થતા સ્થળ પર પાણીનાં ડોલ લઈ આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા પરંતુ આગ વિકરાળ બનતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું. અહીં ઘરમાંથી તમામ સભ્યો બહાર દોડી આવતા તેઓનો જીવ બચી ગયો હતો. ગાઢવીહિરનાં આદિવાસી પરિવારનું ઘર બળીને ખાખ થઈ જતા મોટુ નુકસાન વેઠવું પડ્યું હતું. હાલમાં આ લાચાર પરિવારને તંત્ર વળતર ચૂકવે તે જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...