ટેકનોલોજીનો યુગ:ડાંગના 357 ખેડૂતો કૃષિની આધુનિક તકનિકના પ્રયોગમાં સફળ

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ. (ડાંગ) દ્વારા ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ, ખેતીવાડી ખાતુ ડાંગ,બાગાયત ખાતુ ડાંગ,તેમજ લોટસ મંડળી ડાંગના સંયુક્ત ઉપક્રમે 15થી 20મી નવેમ્બર દરમિયાન ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જઇ ત્યાંનાં ખેડૂતોને કૃષિની નવિન તકનિકીઓ વિશે માહિતગાર કરાયા હતા.

કૃષિ યુનિ. દ્વારા વર્ષોના સંશોધનો બાદ ખેતી, પશુપાલન, ગૃહ વિજ્ઞાન, વાતાવરણ અને બાગાયત ખેતીની વૈજ્ઞાનિક ભલામણો તથા નવીન ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચી શકે તે માટે અત્રેના કેન્દ્રના,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જી.જી.ચૌહાણના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં અલગ-અલગ વિષય નિષ્ણાતો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા ખેડૂતોને વિવિધ વિષયો પર આધુનિક તકનિકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોટસ મંડળીના શ્રવણભાઈએ ડાંગી ભાષામાં ખેડૂતોને સમજણ તથા માહિતી પૂરી પાડી હતી.

સામાજિક કાર્યકર કિશોરભાઇ પટેલે ભદરપાડા ગામે હાજર રહી તેમના અનુભવોનો નિચોડ ખેડૂતોને આપ્યો હતો. આ સપ્તાહ દરમિયાન હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વડા ડો. પાટીલે ખેડૂતોને નાગલી-વરીની મહત્વની માહિતી આપી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન ગુંદીયા, લહાન દબાસ, ભદરપાડા, ચિચોન્ડ, ઝાવડા અને બરડીપાડાના ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા દ્રશ્ય- શ્રાવ્ય માધ્યમ સહિત વ્યક્તવ્યો, પ્રદર્શન, જીવંત ડેમો, ફાર્મર સાયન્ટિસ્ટ ઇન્ટરેક્શન, નિદર્શન પદ્ધતિ, કિસાન ગોષ્ઠી, ફિલ્મ શો, ખેડૂત તાલીમ, ડાયગ્નોસ્ટિક વિઝીટ વગેરે દ્વારા અદ્યતન ટેકનોલોજીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રયત્ન ફળ સ્વરૂપે આ સપ્તાહમાં પ્રાકૃતિક જિલ્લો ડાંગના અલગ-અલગ 9 ગામમાંથી 357 કરતાં વધુ ભાઈ-બહેનોને આ સપ્તાહનો લાભ મળ્યો હતો. આ ટેકનોલોજી સપ્તાહ દ્વારા ઘણા બઘા ખેડૂત ભાઈ-બહેનોએ નવિનતમ તકનિક અપનાવવા માટે કટીબદ્ધ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાને મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિિતમાં આહવામાં યોજાયેલ કાર્યક્રમમાં ડાંગને સંપર્ણ પ્રાકૃતિક િજલ્લો જાહેર કરાયો હતો.

જેમાં સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા સ્કીમ હેઠલ પ્રકૃતિક ખેતી કરવા માટે 31 કરોડની સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેને લઈને ડાંગના ખેડૂતોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. હવે ડાંગના ખેડૂતો પણ કેવીકેના સહકારથી અધ્યતન ટેકનોલોજીનું જ્ઞાન મેળવી ખેતી કરવા આગળ આવ્યા છે. અને તેનો ફાયદો પણ ખેડૂતોને થઈ રહ્યો છે. ડાંગ જિલ્લો હવે સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રાકૃતિક ખેતીને લઈ જાણીતુ સ્થળ બની ગયો છે. આગામી દિવસોમાં જિલ્લામાં દેશભરમાંથી લોકો પ્રાકૃતિક ખેતી માટે જ્ઞાન મેળવવા ડાંગના ખેડૂતોનો સંપર્ક કરે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...