ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના જામનપાડા ગામે ગુરૂવારે એક યુવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ડાંગ જિલ્લામાં કોરોનાના દર્દીમાં રોજ વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે વધુ 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. ડાંગ જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ કેસમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. ડાંગના વેપારી મથક વઘઈ તાલુકામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુરૂવારે વઘઇ તાલુકાના જામનપાડા ગામના 23 વર્ષીય યુવકનો “કોરોના’ ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું.
જોકે તંત્ર સાબદુ બની ફરજ બજાવી રહ્યું છે
આરોગ્ય વિભાગની ટીમે ગામની મુલાકાત લઇ પોઝિટિવ આવેલા યુવાનની આરોગ્ય તપાસ કરી કોવિડ કેર સેન્ટર આહવામાં ખસેડાયો હતો તેમજ આરોગ્ય વિભાગની ટીમે તેના પરિવારજનોની તેમજ આસપાસના લોકોને આરોગ્ય ચકાસણી કરી હતી. નિયમ પ્રમાણે બફર ઝોન તેમજ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી લોકોને ડાંગમાં વધતા “કોરોના’ના કેસ બાબતે જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચૂસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ડાંગ જિલ્લામાં ગુરૂવારના 1 કેસ સાથે ડાંગ જિલ્લામાં કુલ 31 કેસ નોંધાઇ ચૂક્યા છે, જે પૈકી 18 દર્દી સાજા થતા તેમને નિયમોનુસાર ડિસ્ચાર્જ કરાયા છે, જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં 13 એક્ટિવ કેસ રહ્યા છે, જેમને આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં ગુજરાતનો સૌથી વધુ સલામાત રહેલો ડાંગ જિલ્લો પણ ધીમેધીમે સંક્રમિત થઇ રહ્યો છે. જોકે તંત્ર સાબદુ બની ફરજ બજાવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.