ચોરી:ડાંગના આહવા ખાતે દુકાનનું શટર તોડી 1 લાખના મોબાઈલની ચોરી, તસ્કરો CCTVમાં કેદ

આહવા2 વર્ષ પહેલા
ચોરી કરતો તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો. - Divya Bhaskar
ચોરી કરતો તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો.
  • અલગ અલગ કંપનીના 10 મોબાઈલની ચોરી થઈ

ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ શિવશક્તિ મોબાઈલની દુકાનમાંથી શટર તોડી અજાણ્યા તસ્કરો 1.04 લાખના મોબાઈલ ચોરી ગયા હતા. અલગ અલગ કંપનીનાં મોબાઈલ ચોરી તસ્કરો ફરાર થઈ ગયા છે. જોકે, તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેથી પોલીસ સીસીટીવી આદારે વધુ તપાસ હાથ ધરી છે.

શિવશક્તિ મોબાઈલની દુકાનમાં ચોરી થઈ
આહવા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં ડાંગ સેવા મંડળની બાજુમાં પ્રવીણસિંહ ગેસુસિંહ રાજપુરોહિતની શિવશક્તિ મોબાઈલની દુકાન આવેલ છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગતરોજ આ શિવશક્તિ મોબાઇલની દુકાન આખો દિવસ ચાલુ હતી.બાદમાં સાંજના સુમારે આ મોબાઈલની દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા. આ મોબાઈલની દુકાનની બાજુમાં ચાની રેકડીવાળાએ મોબાઈલની દુકાનનાં માલિકને ફોન કરી જણાવેલ કે તમારા દુકાનનું શટર ઊચું દેખાઈ રહ્યુ છે.બાદમાં તુરંત જ મોબાઈલની દુકાન ખોલી અંદર ફર્નિચરમાં મુકેલ મોબાઈલની તપાસ હાથ ધરતા મોબાઈલ ચોરી થયેલા હતા.

​​​​​​​

એક ચોર દુકાનમાં અને એક બહાર હતો

મોબાઈલની દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઈસમ મોઢે કપડું બાંધી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.અને દુકાનનાં ફર્નિચરમાં મુકેલ અલગ અલગ કંપનીનાં મોબાઈલ ચોરી કરી બહાર એક ઈસમના હાથમાં આપી રહેલ દેખાતો હોય છે. આ અજાણ્યા ચોરો દ્વારા શિવશક્તિ મોબાઈલની દુકાનનું શટર તોડી અલગ અલગ કંપનીનાં 10 જેટલા મોબાઈલ જેની કિંમત 1,04,919નો મુદ્દામાલ ચોરી જતા તપાસનો વિષય બનવા પામ્યો છે. હાલમાં શિવશક્તિ મોબાઈલનાં દુકાન માલિકનાં ફરિયાદનાં આધારે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી આ અજાણ્યા ચોરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.