વિરમગામ રેલવે પોલીસના પીએસઆઈ પ્રહલાદગીરી પ્રતાપગીરી, પો.કો. જુવાનસિંહ જસુભા, રિઝવાનખાન દિલાવરખાન, ચેતનભાઇ ભગવાનભાઈ, મહાવીરસિંહ કિરીટસિંહ વગેરે રેલવે સ્ટેશન પર બહારના રાજ્યમાંથી આવતી નશીલા પદાર્થોની હેરાફેરી મામલે વોચમાં હતા. તે વખતે સાત્રાઘાંચી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતા આવતાં તેના જનરલ ડબ્બામાંથી 2 શખ્સો કોલેજીયન બેગો સાથે ઉતર્યા હતા. પોલીસને શક પડતા તેમની તરફ ગયાં એટલે એક શખસ બીજા શખસને પોતાનો થેલો પકડાવીને નાસી ગયો હતો.
પકડાયેલા શખસની તલાસી લેવાતાં એક થેલામાંથી ગાંજાના 2 પેકેટ અને બીજા થેલામાંથી ગાંજાના 3 પેકેટ મળી આવ્યા હતા. ઝડપાયેલા ગાંજાનું કુલ વજન 5.622 કિગ્રા અને તેની કિંમત રૂ. 54,590 હોવાનું જણાયું હતું. ઝડપાયેલા છપરાના રાહુલ કુમાર મનોજ મહતોએ નાસી ગયેલા મિત્ર નિતેશકુમાર યાદવે (રહે.ગામ પરસા, બિહાર) તેને બાલાગીર ઓડિશાથી ગાંજાના પેકેટ અપાવેલા અને તે ગાંધીધામ, કચ્છ ખાતે કોઈકને પહોંચાડવાનો હતો તેવી માહિતી આપી હતી. ઝડપાયેલો ચોખ્ખો લીલો ગાંજો, 2 બેગ કિંમત અને ફોન સહિત કુલ 55,540નો મુદ્દા માલ જપ્ત કરીને બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ52(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.