ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીની જન્મજયંતીએ વિરમગામ પંથકમાં દર વર્ષે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી અને શનિવારનો અનોખો સંયોગ રચાતા ભાવિક ભક્તોમાં ઉત્સાહ બેવડાયો છે. વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં હવન,હનુમાન ચાલીસા પાઠ, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર સહિત પંથકમાં અનેક હનુમાનજીના મંદિરો આવેલા છે. શનિવારે વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટી પડશે અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવશે. હનુમાન જયંતિની ઉજવણી માટેની મંદિરો માં મોટાભાગની તૈયારીઓ ભક્તો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
બાવળામાં પક્ષી ભુવન પાસે આવેલા હનુમાન ટેકરી ઉપર આવેલા હનુમાનજીનાં મંદિરે હનુમાનજી મહારાજની પ્રાગટ્ય જયંતિની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે.આ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજની મૂર્તીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ ઉજવણી પ્રસંગે સવારે ધજા આરોહણ કરવામાં આવશે. 7 વાગે શ્રૃંગાર તથા આરતી કરવામાં આવશે.બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.રાત્રે 9 વાગે મારૂતિ સત્સંગ મંડળ દ્વારા સુંદરકાંડ કરવામાં આવશે અને સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવશે.તેમજ બાવળામાં રાશમ રોડ ઉપર આવેલા હનુમાનજીનાં મંદિરે પણ સવારે મારૂતી યજ્ઞ અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.