નારાજગી:વિરમગામ COની બદલી થતા અમુક કર્મીએ ફટાકડા ફોડ્યા

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ, સદસ્યોની ચીફ ઓફિસરની કાર્ય પદ્ધતિથી નારાજગી હતી

ગુજરાત રાજ્યની જુદીજુદી નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા 33 અધિકારીઓની 2 નવેમ્બર 2021ના રોજ મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા બદલીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિરમગામ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર જયેશ પટેલની બદલી મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી બદલીની અટકળો ચાલતી હતી. જોકે વિરમગામ નગરપાલિકાના ચૂંટાયેલા પાંખના પદાધિકારીઓ, સદસ્ય, અધિકારીઓની ચિફ ઓફિસરની કાર્ય પદ્ધતિથી નારાજગી હતી. ફરજમાં નીતિ નિયમો બાબતે ચીફ ઓફિસર કડક હોવાની છાપ હતી.

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશભાઈ પટેલની બદલી વિજાપુર ખાતે થતા અને અગાઉ વિરમગામ ચીફ ઓફિસર તરીકે 2 વર્ષથી વધુ સમય ફરજ બજાવી ચૂકેલા વિનોદભાઈ રાઠોડની ઓખાથી વિરમગામ ખાતે બદલી કરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલની એક વર્ષમાં બદલી કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષમાં 5 વખત ચિફ ઓફીસરની નિમણૂક અને બદલીઓ થઈ છે. ચીફ ઓફિસર જ્યેશ પટેલની બદલી અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાતા શહેરભરમાં આ પ્રશ્ન ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.