રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં અમદાવાદ શહેર જિલ્લાની 3 પ્રાથમિક શાળાઓની પસંદગી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર આયોજિત રાજ્ય કક્ષાનો આઠમો ઇનોવેશન ફેસ્ટિવલ 2023 તા.26થી 28 ફેબ્રુઆરીએ ઈડર ખાતે યોજાઈ ગયો. રાજ્યભરમાંથી 167 જેટલા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પસંદગી પામેલા શિક્ષકોએ શિક્ષણમાં કરેલ નવતર પ્રયોગો રજુ કર્યા હતા.
અમદાવાદ શહેર જિલ્લામાંથી કુલ 3 કૃતિઓ પસંદગી પામી હતી જેમાં વિરમગામ તાલુકાના વસવેલીયા પ્રાથમિક શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેન આચાર્ય રીંકુબેન જનાર્દનભાઈ અમદાવાદ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી અંગ્રેજી વિષયમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉપચારાત્મક કાર્ય કરી અધ્યયન નિષ્પત્તિઓ સરળતાથી કેવી રીતે સિદ્ધ કરી શકાય તે વિષય ઉપર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું. થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં. 2ના પ્રજ્ઞા શિક્ષિકા પટેલ ગૌરીબેન બબલભાઈએ જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી સ્વનિર્મિત ગાણિતિક સાધનોનો ઉપયોગ વિષય ઉપર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું. વિરમગામ તાલુકાના થુલેટા પ્રાથમિક શાળાના પ્રજ્ઞા શિક્ષિકા બહેન ચૌહાણ પીનલબેન કનૈયાલાલે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી પ્રવૃત્તિમય વર્ગખંડ વિષય ઉપર જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ધોરણ એક અને બે ના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.