તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ACBની કાર્યવાહી:રૂ. 20 હજારની લાંચની રકમ લેવા બાળકને મોકલ્યો અને 4 ઝડપાયા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ નગરપાલિકા ભાજપના 3 કોર્પોરેટરો લાંચ લેતાં ઝડપાયા

વિરમગામ શહેરમાં સુજલામ સુફલામ યોજના હેઠળ વોર્ડ નંબર 1ના ભોજવા ગામની સીમમાં તળાવમાંથી માટી ઉપાડવાનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની રૂપિયા 30 હજારની રકમ માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીને જાણ કરાઇ હતી. 1 જુલાઈના રોજ એસીબીની સફળ ટ્રેપીંગમાં વિરમગામ નગરપાલિકા શાસક પક્ષ ભાજપના વોર્ડ નંબર 1ના 2 કોર્પોરેટર સહિત મહિલા કોર્પોરેટરના પતિ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક એમ કુલ 4 વિરુદ્ધ લાંચરૂશ્વત વિરોધી શાખા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિરમગામ શહેરના વોર્ડ નંબર એકમાં ભોજવા ગામે પાવન ફાર્મ ખાતે આ કામના ફરિયાદી માટીકામમાં કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હોય અને તેઓ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ઉપાડવાનું કામ રાખેલ હતું. જે કામ પેટે વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર અજય રૂપસંગ ઠાકોર, અનિલ વાડીલાલ પટેલ તેમજ મહિલા કોર્પોરેટર કંચનબેનના પતિ રતિલાલ ગાંડાભાઈ ઠાકોરે રૂપિયા 10,000 લેખે ત્રણેયના મળી ફુલ રૂપિયા 30,000ની માંગણી કરી હતી. જે પૈકી આરોપી અનિલ પટેલને ફરિયાદીએ અગાઉ રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઈલ લઈ આપ્યો હતો. બાકીના રૂપિયા 20,000 માટે ત્રણેય આરોપીઓ અવારનવાર માગણી કરતા હતા.

જે અંગેની વાતચીત ફરિયાદીએ મોબાઇલમાં ત્રણેય આરોપીની રેકોર્ડિંગ કરી લીધી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીએ તેઓની ફરિયાદના આધારે તારીખ 1 જુલાઈ 2021ની રાત્રે ભોજવા ગામે પાવન ફાર્મ હાઉસ ખાતે લાંચનું છટકું ગોઠવતાં અજય રૂપસંગ ઠાકોર દ્વારા ભોજવા ગામના બાળકનો ઉપયોગ કરી લાંચના નાણાં લેવા માટે મોકલ્યો હતો. ફરિયાદી દ્વારા આરોપીઓનાં લાંચના રૂપિયા લેવા આવેલા બાળક સાથે ટ્રેપિંગ અધિકારી એસ.એન. બારોટ પોલીસ ઇન્સ્પેકટર અમદાવાદ રૂરલ દ્વારા આરોપી અજય રૂપસંગ ઠાકોર સાથે પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરાવી અને સફળ ટ્રેપમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક તેમજ ભાજપના કોર્પોરેટર અજય રૂપસંગ ઠાકોરને સ્થળ પરથી ઝડપી લીધા હતા. એસીબીની સફળ ટ્રેપીંગ માં સુપરવિઝન અધિકારી કે.બી. ચુડાસમા મદદનીશ નિયામક એ.સી.બી અમદાવાદ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

ઉપરોક્ત બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવા તજવીજ કરવામાં આવેલ તથા અન્ય આરોપીને ડિટેઈન કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકાની 36 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપે જીતી હતી અને સત્તાનો દોર મળતા વિરમગામ નગરપાલિકા ભાજપના અમુક કોર્પોરેટરો રાજાશાહી પાઠ માં આવી ધાક-ધમકી સાથે શહેરમાં ગેરકાયદે બાંધકામ,શહેરની વરસાદી ગટરો ઉપર બાંધકામ તેમજ રોડ રસ્તા સહિત માટી ખનન મા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાની શહેરમાં ચર્ચા છે વર્ષોથી ભોજવા ગ્રામ પંચાયત અને હાલમાં વિરમગામ નગરપાલીકા વોર્ડ નંબર 1નો વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. જ્યાં પ્રથમ વખત જ ભાજપ 4 સીટ કબજે કરી કોંગ્રેસનો સફાયો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...