પાટીદાર અનામત આંદોલનના કારણે જાણીતા બનેલા વિરમગામના હાર્દિક પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પક્ષથી કરી અને કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો હતો. લગભગ 2 વર્ષના ટૂંકા ગાળામાં જ હાર્દિક પટેલે કોંગ્રેસને રામરામ કર્યા અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારથી જ તેને વિરમગામ વિધાનસભા બેઠકનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. ભાજપમાં પ્રવેશતાની સાથે જ હાર્દિક પટેલ દ્વારા વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલ દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા 100 દિવસ સુધી વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા અને સતત લોકસંપર્ક જાળવી રાખવામાં આવ્યો હતો. પ્રારંભિક સ્થાનિક વિરોધને પોતાના સેવા કાર્યોના આધારે ખાળવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલે પહેલા દિવસથી જ વિરમગામ વિધાનસભા બોલવાના બદલે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠો એમ અલગ અલગ વિસ્તારોને એક સાથે બોલીને લોકોને પોતાની સાથે જોડી રાખ્યા હતા. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ હાર્દિક પટેલના વિરોધીઓ ઘટતા ગયા અને જન સમર્થન વધતું ગયું હતું.
વિરોધીઓ દ્વારા હાર્દિક પટેલના જુના વિડીયો, નિવેદનો સોશિયલ મીડિયા પર ફરતા કરવામાં આવ્યા પરંતુ જ્યારે જનતાએ કોઈને પ્રચંડ વિજય આપવાનું નક્કી કર્યું હોય ત્યારે કોઈ જાતિ જ્ઞાતિના સમીકરણો તેમાં વિઘ્નરૂપ બનતા નથી. તે વિરમગામ વિધાનસભાના પરિણામે સ્પષ્ટ કર્યું છે. જનતા જનાર્દને જ્યારે કમળને જય શ્રી રામ કહ્યું છે ત્યારે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠામાં હાર્દિક પટેલ દ્વારા મોટા ગજાના કામ કરવામાં આવે એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.