શ્રદ્ધાસુમન અર્પણ:વિરમગામમાં તાલુકા સેવા સદન ખાતે 1930ના વિરમગામ સત્યાગ્રહની સ્મૃતિરૂપે તક્તીની સ્થાપના

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રગણ્ય સ્વાતંત્ર્ય-સેનાની, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નિકટના સાથી મણિલાલ કોઠારીની 132મી જન્મજયંતી અવસરે શ્રદ્ધાસુમન અર્પણ

અમદાવાદ જિલ્લાના વિરમગામ સ્થિત તાલુકા સેવા સદન ખાતે 1930ના ઐતિહાસિક વિરમગામ સત્યાગ્રહની સ્મૃતિરૂપે કલાત્મક તકતીની સ્થાપના કરાઇ.વિવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ માટે ફંડ-ફાળો એકત્રિત કરવામાં સદા અગ્રસર અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય ભિક્ષુકના બિરુદથી નવાજેલા તેવા પ્રખર ધારાશાસ્ત્રી મણિલાલ કોઠારીનો જન્મ 07 ઑગસ્ટ 1890 (જન્માષ્ટમી)ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભડકવા-ભૃગુપુરમાં થયો હતો.

જોરાવરનગર-વઢવાણ નિવાસી મણિલાલ કોઠારીનું આઝાદી પહેલાં 11 ઑકટોબર 1937ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું. મણિલાલ કોઠારીની આગેવાની હેઠળ 06 એપ્રિલ 1930ના રોજ વિરમગામ સત્યાગ્રહનો આરંભ થયો હતો. પોતાનાં ધર્મપત્ની મણિબહેનનાં અણધાર્યાં દુ:ખદ અવસાનનાં દર્દને દિલમાં દબાવીને, કાળજું કઠણ કરીને, માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ત્રણ પુત્રીઓને એકલી મૂકીને, રાષ્ટ્રધર્મ તથા ગાંધીજીની આજ્ઞાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને મણિલાલ કોઠારીએ વિરમગામ સત્યાગ્રહની આગેવાની સ્વીકારી હતી.

સમસ્ત કાઠિયાવાડમાંથી એકત્રિત થયેલા હજારો સત્યાગ્રહીઓમાંથી 55 સાથીદારો સાથે, હાથમાં મીઠું લઈને, મુખ્ય છાવણી વઢવાણ કેમ્પથી ટ્રેનમાં બેસીને વિરમગામ સ્ટેશને પહોચતાં જ મણિલાલ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. મણિલાલ કોઠારીએ હ્રદયસ્પર્શી આહ્‌વાન આપ્યું હતું : ટોળે-ટોળાં ઉતરી પડજો. સરકાર ધરાઈ જાય તેટલી સંખ્યામાં જેલો ભરી કાઢજો. ભારતને જો પરાધિનતામાંથી બચાવવું હશે તો ગાંધીજીની આજ્ઞાને ઉઠાવજો અને દેશની આઝાદીના આ મહાન યજ્ઞમાં પૂર્ણ ફાળો આપજો.

અન્ય સમાચારો પણ છે...