વિરમગામ શહેરમાં મેગા ડિમોલેશન અંતર્ગત તારીખ 25 મે ગુરૂવારના રોજ બીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારો શહીદ બાગ, સ્વામિનારાયણ પેટ્રોલ પંપની સામે, રોકડિયા હનુમાન મંદિર પાસે, લાકડી બજાર, ગોલવાડી દરવાજા પાસે, રૈયાપુર ત્રણ રસ્તા સહિતના 100 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.વિરમગામ નગરપાલિકાની વિવિધ ડિમોલેશન ટીમ દ્વારા આજના દિવસની કામગીરીમાં વહાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાની નગરજનોમાં રાડ પડી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના દબાણકર્તાના દબાણો તાત્કાલિક અસરથી નુકસાન થાય તે રીતે તોડી ફોડી નાખવામાં આવ્યા હતા.
જ્યારે માલેતુજાર અને રાજકીય વગ ધરાવતા દુકાનદારોની વાત માની લેવામાં આવતી હતી. શટરો સહિત માલસામાન કાઢવા સમય આપ્યો હતો. તેમજ મંજુર બાંધકામ કરતાં વધારાનું બાંધકામ કરનાર દુકાનદારોની દુકાનો પણ અગમ્ય કારણોસર તોડફોડ વગર છોડી દેવામાં આવી હતી.વિરમગામના ગોળપીઠાના નાકા પાસે આવેલી 5 જેટલી ગેરકાયદે દુકાનો સવારે તોડવાની શરૂ કરવામાં આવી હતી.
જ્યારે તેની પાસેના શોરૂમની બહારની તરફનો ગેરકાયદે દબાણ દૂર કરવા જતા વેપારીઓ દ્વારા જાતે જ દૂર કરવા જણાવ્યું હતું. જેથી જાતે દબાણો દૂર કરવા માટે 4થી 5 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો.અને ડિમોલિશનના અધિકારીઓ અન્ય જગ્યાએ ગેરકાયદે દબાણો દૂર કરવા જતા રહ્યા હતા. જ્યારે લાકડી બજાર વિસ્તાર તેમજ રોકડિયા હનુમાન મંદિર પાસે ગરીબોના મકાનો તોડવાજતા ગરીબોનું કાઈ સાંભળવામાં આવ્યું ન હતું અને તેઓ જાતે દબાણ દૂર કરી મકાનના છાપરાના પતરા વગેરે દૂર કરવાનો એક મિનિટનો પણ સમય આપ્યો ન હતો. જે બાબતે સ્થળ પર તેમજ શહેરમાં ચર્ચા ચાલી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.