વિરમગામ બેઠક પરથી આપ પહેલી વાર ચૂંટણી લડી રહ્યો છે ત્યારે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે 17 નવેમ્બરે ‘આપ’એ ભાજપના પગલે ચાલીને નાટ્યાત્મક રીતે આયાતી ઉમેદવારને મેન્ડેટ આપતાં રાજકીય વંટોળ સર્જાયો હતો. ગુરુવારે બપોરે અગાઉ જાહેર કરાયેલા કુંવરજી ઠાકોરે ફોર્મ ભર્યું એના કલાક પછી કૉંગ્રેસમાંથી આપમાં આવેલા અમરસિંહ ઠાકોરે ફોર્મ ભર્યું હતું. વિરમગામ બેઠક માટે છેલ્લા દિવસે 21 લોકોએ ઉમેદવારી પત્ર ભરતાં રેકોર્ડ બ્રેક ઉમેદવારો ચૂંટણીનો લાડુ ખાવા હરોળબદ્ધ ઊભા છે.
આપ પાર્ટી દ્વારા વિરમગામ બેઠક માટે કન્યા એક અને વરરાજા બે જેવી સ્થિતિ ઊભી કરતાં આશ્ચર્ય ફેલાયું હતું, જેમાં અગાઉ જાહેર કરેલા કુંવરજી ઠાકોરે ટેકેદારો સાથે આપના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી હતી. તેમની ઉમેદવારીના માત્ર 1.5 કલાક પછી અમરસિંહ ઠાકોરે ફોર્મ ભર્યું હતું. કૉંગ્રેસમાં સ્થાનિકોની માગણી મુજબ ઠાકોર સમાજને ટિકિટ ન ફાળવાતાં અમરસિંહ ઠાકોર 16 નવેમ્બરે રાત્રે મુસ્લિમ આગેવાનો તેમજ ઠાકોર આગેવાનોના સહયોગથી આપમાં જોડાયા હતા અને પક્ષે તેમને મેન્ડેટ પણ આપી દીધો હતો.
ટોક ઓફ ધ ટાઉન બનેલા ઠાકોર સમાજના આગેવાન કુવરજી ઠાકોરનું પત્તું કાપી અમરસિંહ ઠાકોરે આપમાં એન્ટ્રી લેતા અમરસિંહ ઠાકોર જીતના ઉમેદવાર સાબિત થશે કે કોંગ્રેસ અથવા ભાજપના ઉમેદવારને આડકતરી રીતે જીતાડશે, તે આવનાર સમયમાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે કુંવરજી ઠાકોરે પણ આપ પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ દગો દેતા પોતાની વેદના જાહેર વ્યક્ત કરી હતી અને પોતાના પુત્ર કનુભાઈ ઠાકોરની અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. ઉમેદવારો દ્વારા એક કરતાં વધુ ફોર્મ ભરવામાં આવે છે.
સાથે મુખ્ય પાર્ટીઓ દ્વારા ડમી ઉમેદવારોના પણ ફોર્મ ભરવામાં આવેલ છે ત્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી બાદ કેટલા ઉમેદવારો છે તે જાણી શકાશે. આપના ઉમેદવાર અમરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે 2017માં પણ કોંગ્રેસ મોવડી મંડળ પાસે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ઠાકોર સમાજના વોટ 80000થી વધુ હોઈ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવા રજૂઆત કરવામાં આવેલી ત્યારે બહારથી લાખાભાઈ ભરવાડને ટિકિટ આપી હતી.
ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ત્યારે લાખાભાઈ ભરવાડ સહિત અન્ય કોંગ્રેસના રાજકીય નેતાઓ દ્વારા 2022માં ઠાકોર સમાજને જ ટિકિટ આપવાનું વચન આપેલું, જે પૂર્ણ ન કરાતાં ઠાકોર સમાજ કોંગ્રેસથી નારાજ થઈ આપમાં જોડાઈ ગયો છે. અને આપ નેતાઓને ઉમેદવાર બદલવાનું યોગ્ય લાગતા ઉમેદવારના નામમાં ફેર કરેલ છે અમારો ચોક્કસ બહુમતી વિજય થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.