શકુનિઓ ઝડપાયા:વિરમગામની ઘાંચીની મસ્જિદ પાસેથી 5 જુગારી ઝડપાયા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાઉન પોલીસે 25 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

વિરમગામ વિસ્તારમાં આવેલા ઘાંચીની મસ્જિદ પાસે જુગાર રમી રહેલા 5 જુગારીને ટાઉન પોલીસે ઝડપી તેઓ પાસેથી 25 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી.જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા ટાઉન PI એમ.એ.વાઘેલા નાઓ ની સુચના મુજબ વિવિધ ટીમ બનાવી જુગારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી સમસ્યા ઉપર વોચ રાખી હતી.

જે દરમિયાન PSI એસ.એસ.ગામેતીને ખાનગી બાતમી પરથી માહિતી મળી હતી કે વિરમગામની માંડલીયાફળી સામે આવેલી ઘાંચીની મસ્જિદ પાસે રહેતા શબ્બીરઅલી મોહમ્મદઅલી ફકીરાના મકાનમાં જુગાર રમાઇ રહ્યો છે.

જે હકીકતની જાણ થતાં PI એમ.એ. વાઘેલા, PSI એસ.એસ.ગામેતી, ASI મહેન્દ્રભાઈ જગાભાઈ, સતિષભાઈ આત્મારામભાઈ, રમેશભાઈ સેંધાભાઈ, જયદીપસિંહ જવાનસિંહ, વિરસંગજી પ્રભુજી, કલ્પેશભાઈ કરમશીભાઇની ટીમ દ્વારા બાતમી વાળા મકાનમાં રેડ કરતા જુગાર રમતા સબ્બીર અલી મોહમ્મદ અલી ફકીર, સિકંદર મહેબુબભાઇ બટ્ઠા, અસલમ ભાઈ અહેમદભાઈ સિપાઈ, મોહસીન મુસ્તાકભાઈ મંડલી, ફૈયાઝહુસેન રઝાકભાઇ રૂપાણીને સ્થળ ઉપરથી રૂપિયા 25720ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ અન્વયે ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

વિરમગામ શહેર સહિત પંથકમાં થોડા સમયથી દારૂ તથા જુગારની પ્રવૃતિ વધી રહી હોવાથી તેને ડામવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રકારની પ્રવૃતિને ડામી દેવા માટે સુચના આપવામાં આવી હતી. જેના પગલે ટાઉન પોલીસે બાતમીદારો સક્રિય કરી જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...