આયોજન:વિરમગામમાં રવિવારે જીવસૃષ્ટિ સરક્ષણના હેતુથી જિલ્લાકક્ષાનો ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે
  • વિરમગામના રામમહેલ મંદિર ખાતે પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાશે

પર્યાવરણ, વન અને જીવસૃષ્ટિ સરક્ષણના હેતુથી જીલ્લાકક્ષાનો ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમ રવિવારે વિરમગામ ખાતે આયોજિત થનાર છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે વિરમગામના રામમહેલ મંદિર ખાતે “પ્રકૃતિ વંદન”ના પ્રતિકાત્મક કાર્યક્રમનું પુજ્ય મહંત શ્રી રામકુમારદાસ બાપુના પ્રમુખસ્થાને આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને “પ્રકૃતિ વંદન” કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. પ્રકૃતિ વંદન કાર્યક્રમ : 30, રવિવાર; સમય: સવારે 10 થી 11 સુધી છે.

જેથી પ્રારંભમાં સપરિવાર આપના નિવાસસ્થાને રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવજી ભાગવતનું ઉદબોધન સાંભળવું અને ત્યારબાદ ઘરે જ પ્રકૃતિનું પુજન કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના રોજીંદા વહેવારમાં ગૂંથાઈ ગયેલી વિશેષતા છે.

અનાદિકાળથી અનેકવિધ દૈનંદિન રીતિરીવાજો, સામાજિક પ્રથાઓ, પ્રાદેશિક માન્યતાઓ, ઉત્સવો, કળા-કારીગરી વગેરેમાં આ પ્રકૃતિપ્રેમ અનેક રીતે પ્રદર્શિત થાય છે. આ ઉપરાંત આપણાં અનેક પૌરાણિક વહેવારો દ્વારા પણ એ પ્રદર્શિત થતું રહ્યું છે. અહીંનો સમાજ પ્રકૃતિ સાથે એકરૂપતા સાધીને તેમજ જીવસૃષ્ટિના પ્રત્યેક ઘટક પ્રત્યે આદર પ્રદર્શિત કરીને, જરૂરિયાત પુરતું જ દોહન કરીને, નહિ કે શોષણ કરીને; કુદરતી સંપદાઓનું સંવર્ધન અને પર્યાવરણનું સંરક્ષણ કરતાં કરતાં પોતાનો જીવનનિર્વાહ કરતો હતો.

હાલના વર્તમાન સમયમાં જ્યારે માનવ દ્વારા સ્થાપિત આર્થિક હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે પડકારો ઉભા કરી રહ્યા છે ત્યારે, આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંસાધનોનું સવર્ધન અને સંરક્ષણ એ બહુ જ અઘરું કાર્ય થઇ પડે છે અને આપણા સૌની જવાબદારી વધારી જાય છે.

આવો, આપણે સૌ આ પર્યાવરણ સંવર્ધન એટલે કે પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા કાર્યમાં જોડાઈએ અને ધરતીમાતાના આશીર્વાદ લઇ આ પૃથ્વી પર સંતુલન જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ અને પ્રવૃત્તિમય બનીએ. હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) દ્વારા આ મહામારીના સમયમાં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વીમાતા” પ્રત્યે આપણો આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગ રૂપે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...