માગ:ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકને સરકારી કર્મીનો દરજ્જો આપવા માગ

વિરમગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાન કામ સમાન વેતન, લઘુત્તમ વેતનનો ભંગ થતો હોવાથી કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણૂક અપાવા ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા 2016થી મુખ્યમંત્રીને ઉપરોક્ત બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમજ નવા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રી બનતાં તેમને પણ આ રજૂઆત 21/10/2021ના રોજથી હડતાલ કરવાની જાહેરાત મંડળે કરી હતી.

હાલના પંચાયત મંત્રી દ્વારા 20/10/ 2021 ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી ત્યારબાદ તારીખ 27/10/ 2021 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર- ધોરણની માગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપતા સકારાત્મક બાહેધરી આપી હતી.

પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માગણીઓ બાબતે કોઇ અમલ ન કરતા અને ઇ-ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ. નીલકંઠ માતર દ્વારા ખાનગીકરણ(બીટુસી)ના મુદ્દા લાવીને ખોટી માહિતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઈ નિર્ણય ના થાય તેવા પ્રયાસ થતાં સમગ્ર ગુજરાતના વીસીઇનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માગણીનો સ્વીકાર કરીને નિરાકરણ કરવાની બાહેધરી આપેલી હોવા છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી જેના કારણે આખા ગુજરાતના મંડળના કર્મચારીઓ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે ઉપરોક્ત રજૂઆત પરત્વે ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોવાથી કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા ભલામણ કોંગ્રેસના વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર રહેલી માગણીનો સ્વીકાર કરી ઝડપથી માગણીનો ઉકેલ આવે તે માટે ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...