વિધાનસભા ચૂંટણી:ભાજપના જૂથવાદના ચક્રવ્યૂહને ભેદીને સીટ જીતવાનો હાર્દિક પટેલ સામે પડકાર

વિરમગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપના સ્થાનિક 48 નેતાએ હાર્દિકને ટિકિટનો વિરોધ કર્યો હતો

પાટીદાર અનામત આંદોલનને કારણે દેશભરમાં જાણીતા થયેલા હાર્દિક પટેલે પોતાના વતન વિરમગામથી ભાજપની ટિકિટ પર રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે. પણ ચૂંટણી જીતવા માટે સ્થાનિક સ્તરે સર્જાયેલા ચક્રવ્યૂહ ભેદવા હાર્દિક માટે નાનોસૂનો પડકાર નથી. તેમની પાર્ટીના સિનિયર નેતાઓ પહેલા તો હાર્દિકને ટિકિટ આપવાનો વિરોધ કરી રહ્યા હતા.

હવે ચૂંટણીમાં તેઓ જૂથમાં વહેંચાયા છે. હા, બે દિવસ પહેલા જ અમિત શાહના ઠપકા બાદ કેટલાક નેતા હાર્દિકની સાથે જોડાયા છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડને લોકો બહારના ગણાવે છે સાથે જ એમપણ કહે છે કે 10 વર્ષથી કોંગ્રેસ જીતતુ હોવાથી વિકાસ થંભી ગયો છે. કારણ કે સત્તામાં ભાજપ છે. હારજીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ઠાકોર સમાજના વોટર્સ પણ આપના ઉમેદવાર અમરસિંહ ઠાકોરની ઉમેદવારીને કારણે વહેંચાઈ જશે. તેથી ભાજપની નજર પટેલ, ઓબીસી મતો પર છે. ભાજપમાં જોડાયા પછી જ હાર્દિકે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. પહેલા લમ્પી વાઇરસ વખતે ગામડાઓમાં 40 હજાર રસી વહેંચી. પછી 180થી વધુ ગામોમાં ફરીને બાળકોને નોટબુક આપી.

ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીઓ તો હોય જ: હાર્દિક
આંતરિક વિરોધના મુદ્દે હાર્દિકે કહ્યું હતું કે ચૂંટણીમાં આવું કંઈ જણાતું નથી. પણ આ સ્વાભાવિક છે. ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી રહે જ છે. હવે બધા સાથે આવ્યા છે. હું બહારનો નથી. અહીં 10 વર્ષથી વિકાસ ઠપ છે. 5 મહિનાથી દરેક ગામમાં ફરીને લોકોને મળું છું. પહેલી પ્રાથમિકતા વિરમગામને જિલ્લો બનાવવાની છે.

અમિત શાહની ચીમકી બાદ નારાજ નેતા પ્રચારમાં જોડાયા
પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રી પટેલ, વજુભાઈ ડોડિયા, પ્રાગજી પટેલ, વરુણ પટેલ સહિત 48 નેતા અહીંથી ટિકિટના દાવેદાર હતા. જ્યારે પેનલમાં હાર્દિકનું નામ ગયું ત્યારે તેમણે હાર્દિક સિવાય અન્ય કોઈપણ નેતાને ટિકિટની જીદ કરી હતી. જેના કારણે તેઓ નિષ્ક્રિય હતા. આ વાત અમિત શાહ સુધી પહોંચતા તેમણે બધાને મેદાનમાં જવા કહ્યું.

બે ચહેરાને કારણે ઠાકોર-દલિત વોટ વહેંચાશે
​​​​​​​
આ બેઠક પર કુલ 3 લાખ મતદારોમાંથી આશરે 95 હજાર ઠાકોર મતદાર છે. જે ગેમ ચેન્જર સાબિત થશે. તેનો ફાયદો ઉઠાવવા માટે આપે પહેલેથી જ ઠાકોર ઉમેદવાર ઉતાર્યો છે. અપક્ષ ઉમેદવાર કિરિટ રાઠોડે ઉમેદવારી નોંધાવતા- અહીં 28થી 30 હજાર દલિત વોટ પણ વહેંચાશે જેનું નુકસાન કોંગ્રેસને થશે. ભાજપ સહકારી સમિતિઓના માધ્યમથી વોટર્સને આકર્ષી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...