વેપારીઓ ભયભીત:વિરમગામના માંડલ રોડ પર વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ, 1 લાખ બચ્યા

વિરમગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરમગામના વેપારી ઘરે જઇ રહ્યા હતા ત્યારે 4 જેટલા લૂંટારુઓએ હુમલો કર્યો હતો. ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયા હતા. તસવીર જયદીપ પાઠક - Divya Bhaskar
વિરમગામના વેપારી ઘરે જઇ રહ્યા હતા ત્યારે 4 જેટલા લૂંટારુઓએ હુમલો કર્યો હતો. ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયા હતા. તસવીર જયદીપ પાઠક
  • મંગળવારે સાંજે ભોજવા રોડ પર લૂંટારુઓનો વેપારી પર હુમલો, 2 માસમાં બીજો બનાવ
  • લૂંટના ઇરાદે એક્ટિવા ચાલક વેપારી પર હુમલો કરાતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

વિરમગામ શહેરમાં માંડલ રોડ પર એક્ટિવા પર જતા વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટના ઇરાદે ચાર શખ્સોએ હુમલો કરી વેપારીને માથામાં અને હાથમાં લાકડાના ધોકા વડે ગંભીર ઇજા કરી હતી. સદભાગ્યે દિવસભરનો વકરો 1 લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં હોવાથી બચી ગયા હતા.

વિરમગામ શહેરમાં માંડલ રોડ ઉપર ભોજવા ફાટક પાસે આવેલ ભક્તિ સેલ્સ એજન્સી (ગોપાલ નમકીન)ના માલિક સંજય હર્ષદભાઇ ઠક્કર (ઉં.વ.30) 4 ડિસેમ્બર મંગળવારના રોજ મોડી સાંજે આશરે 7:45 કલાકે વસ્તી કરી દિવસભરની ધંધાની રકમ 1 લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકી એક્ટિવા પર વિરમગામ ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ભોજવા ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજના વિરમગામ તરફના છેડા પાસે 4 વ્યક્તિઓએ મોઢે બુકાની બાંધી લાકડાના ભાઠા સાથે ઉભા હતા ત્યારે એક્ટિવા નજીક આવતા એક શખ્સ દ્વારા વેપારીના મોઢા ઉપર મરચાની ભૂકી ફેંકવામાં આવી હતી.

જેથી એક્ટિવા ઉભુ રાખતા લાકડાના ભાઠા વડે હુમલો કરતા વેપારીને હાથ અને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે પાછળની તરફથી અન્ય કાર આવતા લૂંટારુઓ ખેતરોમાં ભાગી ગયા હતા. ત્યારે એજન્સીના અન્ય માણસો દ્વારા ઘાયલ વેપારીને વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાબતની વિરમગામ ટાઉન પોલીસને જાણ થતા હોસ્પિટલ ખાતે મુલાકાત કરી સ્થળ તપાસ કરી 4 અજાણ્યા હુમલાખોરના સગડ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આશરે 2 માસ પહેલા પણ માંડલ રોડ ઉપર અલીગઢ પાસે દાવતની સેલ્સ એજન્સી ધરાવતા વેપારીને પણ લૂંટી લીધો હતો. જે બાબતે હજુ સુધી લૂંટારૂઓ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે બીજો લૂંટનો બનાવ બનતાં વેપારીઓ ભયભીત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...