લુંટારૂઓનો આતંક:વિરમગામના મુખ્ય રોડ પરથી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી 2 ફરાર

વિરમગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરના ભરવાડી ગોલવાડી રોડ વચ્ચે આવેલ સીટી મહેલ કોમ્પલેક્ષ નજીક મુખ્ય રોડ પર ચેન સ્નેચીંગની ઘટના સામે આવતા વિરમગામ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી લુંટારૂ બાઈક સવાર ઈસમોને પકડવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન આવતા મહિલાઓ ઘરેણા પહેરીને નીકળતી હોય ત્યારે હાલનો બનેલો બનાવ ચેતવણી રૂપ છે.

લક્ષ્મીબેન નામની આધેડ મહિલા રહે. ચમારવાસ, ભરવાડી દરવાજા શનિવારે સાંજે ઘરેથી દૂધ સહિત કરિયાણાની વસ્તુ ખરીદવા ગોલવાડી દરવાજા તરફ જઈ રહી હતી ત્યારે સીટી મહેલ કોમ્પલેક્ષ પાસે બાઈક માં સવાર 2 દ્વારા મહિલાને ધક્કો મારી ગળામાં પહેરેલ સોનાની ચેન ખેંચીને ગોલવાડી દરવાજા તરફ થઈ કે.બી. શાહસ્કુલ તરફના રસ્તે ફરાર થઈ ગયા હતા.

મહિલાને પોતાના ગળામાંથી ચેન ખેંચાયો હોવાનું માલુમ પડતાં બાઈક સવારની પાછળ રાડું પાડી ડોટ લગાવી હતી ત્યારે બાઈક સવાર ભીડભાડનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જે બાબતે મહિલા દ્વારા 3 અજાણ્યા શખસ વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા બંનેની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...