આપઘાત:ડ્રાઇ‌વરને લેવા માટે બોલાવ્યાની 7 મિનિટમાં ચૂંટણી અધિકારીએે 5મે માળથી પડતું મૂક્યું

સાણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ પ્રાંત અધિકારી તરીકે પોસ્ટિંગ થયા બાદથી ડિપ્રેશનમાં હોવાની શંકા
  • 9.24 વાગ્યે લેવા ડ્રાઇવરને બોલાવ્યો હતો, પરિવારને હત્યાની શંકા
  • રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણી કામગીરી કરી સવારે 6 વાગ્યે ઘરે આવ્યા હતા

સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્રભાઈ કેશવલાલ પટેલે મંગળવારે નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટના પાંચમા માળે અગાશી પરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. જોકે તેમના પરિવારજનો તેમની હત્યા કરાઈ હોવાનો દાવો કરી રહ્યા છે. સાણંદમાં એક મહિના પહેલાં રાજેન્દ્ર પટેલની પ્રાંત અધિકારી તરીકે બદલી થઈ હતી. તેઓ સાણંદ બાયપાસ નજીક આવેલા નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટમાં બી-402માં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. મંગળવારે સવારે 9.30 વાગ્યે એકાએક ફ્લેટમાં મોટો અવાજ આવ્યો હતો.

આથી સિક્યોરિટી ગાર્ડે અંદર જઈને જોયું ત્યારે રાજેન્દ્ર પટેલનો મૃતદેહ ગેટ નજીક પડ્યો હતો. ગાર્ડે જાણ કરતાં તુરંત સોસાયટીના ચૅરમૅન રાજભા વાઘેલાએ 108ને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો, પરંતુ પરિવારજનોની માગણીને કારણે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક દૃષ્ટિએ રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી હોવાનું જણાય છે. એફએસએલ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રાજેન્દ્ર પટેલે પાંચમા મળે પેન્ટહાઉસના ટેરેસ પરથી છલાંગ લગાવી હોવાનું એફએસએલે અનુમાન વ્યક્ત કર્યું છે.

આર. કે. પટેલ હાલ ચૂંટણી અધિકારી તરીકે કામગીરી બજાવતા હતા અને રોજ રાત્રે 2.30 વાગ્યા સુધી તેમની કામગીરી ચાલતી હતી. સોમવારે રાત્રે ચૂંટણી કામગીરી માટે અમદાવાદથી સવારે 6 વાગે ઘરે પરત ફર્યા હતા અને 9.24 વાગ્યે ડ્રાઇવરને લેવા આવવા માટે ફોન કર્યો હતો. ત્યાર બાદ માત્ર 7 જ મિનિટમાં આ ઘટના બનતાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સાણંદ ડીવાયએસપી ભાસ્કર વ્યાસના જણાવ્યા મુજબ હાલ અકસ્માતે મોત દાખલ કરી છે અને પરિવારજનોની ઇચ્છા મુજબ વીડિયોગ્રાફી સાથે પેનલ પીએમ કરવામાં આવ્યું છે.

અચાનક ધડાકો થયો અને સિક્યોરિટી ગાર્ડે મને બોલાવ્યો
સવારે 9.30 વાગ્યે ધડાકા જેવો આવાજ આવ્યો અને સિક્યોરિટી ગાર્ડે મને બોલાવ્યો. મેં જઈને જોયું તો પ્રાંત અધિકારી આર. કે. પટેલનો મૃતદેહ પડ્યો હતો. તેમના ખિસ્સામાં 2 ફોન હતા, જેમાં એકની સ્ક્રીન તૂટેલી હતી. અન્ય મોબાઇલ ફોનમાં મેં હોમ તરીકે સેવ કરેલો નંબર ડાયલ કરતા તેમનાં પત્નીએ ઉપાડ્યો હતો. મેં તેમને જણાવ્યું કે, સાહેબને વાગ્યું છે. ત્યાર બાદ પાલનપુરથી બીજો કોલ આવતાં મેં જણાવી દીધું હતું કે, સાહેબ એક્સપાયર્ડ થઈ ગયા છે.’ > રાજેન્દ્રસિંહ વાઘેલા, ચૅરમૅન, નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટ

રાજેન્દ્ર આત્મહત્યા કોઈ કાળે ન કરી શકે
મૃતકના મોટા ભાઈ હસમુખ પટેલે જણાવ્યું કે, રાજેન્દ્રને આત્મહત્યા કરવાનું કોઈ કારણ જ નથી. અમારી તટસ્થ તપાસની માગ છે. તેમના અન્ય પરિજનો કનુભાઈ અને બાબુભાઈના જણાવ્યા મુજબ રાજેન્દ્રભાઈ એકદમ સરળ સ્વભાવના હતા અને સાણંદ પહેલાં અંબાજી હતા ત્યારે અંબાજી મંદિરના વહીવટદાર તરીકે 10 વર્ષ સુધી સારી સેવા કરી છે. તેમને પારિવારિક કે આર્થિક કોઈ કારણ નથી કે ડિપ્રેશનમાં આવી આવું પગલું ભરે. સાણંદ વિસ્તાર અમારા માટે નવો છે. આથી અહીં કોઈની પર શંકા કરી શકીએ નહીં. પોલીસ કડક અને નિષ્પક્ષ તપાસ કરે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...