બાકીદારોમાં ફફડાટ:સાણંદમાં ટેક્સ ન ભરનારાં 2ના પાણી કનેક્શન કપાયાં

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં મિલકત ટાંચ, જપ્તી, હરાજીની કાર્યવાહી કરાશે

સાણંદ નગરપાલિકાએ ટેક્સ બાકીદાર સામે વસૂલાત કરવાની મુહિમ ઉઠાવી છે. ત્યારે શહેરમાં એક રહેણાંક મકાન અને એક દુકાનનું પાણી કનેક્શન કાપી નાખતા સમગ્ર સાણંદમાં ચકચાર મચી છે અને બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ​​સાણંદ નગરાપાલિકાના ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીધારકો સહિત અંદાજે 8 હજાર લોકો પાસેથી અગાઉના અને ચાલુ વર્ષના વિવિધ વેરા પેટે કુલ રૂ. 6.32 કરોડ બાકી હતા. જેમાં પાલિકાના કર્મીઓએ ડોર ટુ ડોર વેરો વસૂલાત હાથ ધરી હતી.

જેમાં બાકીમાંથી રૂ. 3.15 કરોડની વસૂલાત બાદ રૂ. 3.17 કરોડની વસૂલાત બાકી નીકળતા અગાઉ સાણંદ પાલિકા તંત્રએ 4 હજાર લોકોને નોટિસ ફટકારી હતી. તેમજ 100 લોકોને વોરંટ આપી બાકી ટેક્સ ભરવા તાકીદ કરવા છતાં પણ ટેક્સ ન ભરતાં છેવટે આવા ટેક્સ બાકીદારના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સોમનાથ સોસાયટીમાં રહેતા એક રહીશનો રૂ. 22,710નો ટેક્સ બાકી અને ઔડા શોપિંગ સેન્ટરમાં એક દુકાનદારનો રૂ. 39,899નો વેરો બાકી હોવાને લઈને પાલિકાની ટીમે તેમના નળ કનેક્શન કાપી નાખ્યા હતા. તેમજ આગામી દિવસોમાં બાકી ટેક્સની ભરપાઈ નહીં થાય તો પાણી કનેક્શન કાપી, મિલકત ટાંચ, જપ્તી, હરાજી સહીતની કાર્યવાહી કરાશે.

વેરો ભરવા સમય વધારાયો
સાણંદમાં ટેક્સ ભરવા માટે પાલિકાની ટેક્સ ભરવાની ઓફિસના સમયમાં વધારો કરાયો છે. સવારે 9 કલાકથી સાંજે 6 કલાક સુધીનો સમય કરાયો છે. તેમજ શનિવારે આવતી રજાના દિવસે પણ ટેક્સ ઓફિસ ચાલુ રખાશે.

અન્ય સમાચારો પણ છે...