ઑલિમ્પિકમાં રમવાનું સપનું:ટોર્ચના અજવાળે ભાલા ફેંકતાં શીખેલી 2 બહેન નેશનલ એથ્લેટિક સ્પર્ધામાં ટોપ ટેનમાં

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટોર્ચના અજવાળે બંને બહેનોએ ભાલાફેંકમાં કાઠું કાઢ્યું હતું. મેદાનમાં પ્રેક્ટિસ કરતી બંને બહેનો. - Divya Bhaskar
ટોર્ચના અજવાળે બંને બહેનોએ ભાલાફેંકમાં કાઠું કાઢ્યું હતું. મેદાનમાં પ્રેક્ટિસ કરતી બંને બહેનો.
  • સાણંદની બહેનોએ ખેલ મહાકુંભમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો
  • નોકરીએથી છૂટીને પિતા સ્કૂલમાં પ્રૅક્ટિસ કરવા લઈ જતા
  • ખર્ચ પોસાતો ન હોવાથી રાજ્ય બહાર જવા સ્પોન્સરની શોધમાં, દીક્ષાએ ઓપન એજમાં, કોટિશ્રીને અન્ડર 17માં ગોલ્ડ મેડલ

મેગાસિટી અમદાવાદના સેટેલાઇટ સિટી તરીકે વિકાસ પામી રહેલા સાણંદની 2 સગી બહેન દીક્ષા અને કોટિશ્રીએ અનેક અભાવો વચ્ચે જ્વેલીન થ્રો (ભાલાફેંક)માં કાઠું કાઢ્યું છે અને ખેલ મહાકુંભ, 2022માં દીક્ષાએ ઓપન એજમાં જ્યારે કોટિશ્રીએ અન્ડર 17માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

એથ્લિટ સ્પર્ધાઓમાં જ્વેલીન થ્રોમાં એકથી દસમાં ક્રમાંક મેળવ્યો
સાણંદ રહેતા અને સચાણાની કંપનીમાં નોકરી કરતા સુધાકર દ્વિવેદીની બંને પુત્રીની એથ્લેટિક્સમાં રુચિ જોઈને આગળ વધવા પ્રેરણા આપી. એટલું જ નહિ, બંનેના માર્ગદર્શક અને કોચ પણ બન્યા. સાણંદ જેવા નાના શહેરમાં રમતનું એક પણ ગ્રાઉન્ડ ન હોવા છતાં નોકરીથી છૂટ્યા પછી કિસાન ટોર્ચના અજવાળે દીકરીઓને જેડીજી હાઈસ્કૂલના મેદાનમાં ભાલાફેંકની પ્રેક્ટિસ કરાવતા. છેવટે તેઓની અને દીકરીઓની મહેનત રંગ લાવી અને દીકરીઓ હાલ નેશનલ લેવલની અનેક એથ્લિટ સ્પર્ધાઓમાં જ્વેલીન થ્રોમાં એકથી દસમાં ક્રમાંક મેળવ્યો છે.

બંને દીકરીની ગણના જ્વેલીન થ્રોમાં દેશમાં ટોપ ટેનમાં
તાજેતરમાં 8-9 મે દરમ્યાન ટાટાનગર જમશેદપુરમાં યોજાયેલી ચોથી નેશનલ એથ્લેટિક સ્પર્ધામાં પણ બંને ટોપ ટેનમાં આવી હતી જ્યારે ખેલ મહાકુંભ, 2022માં દીક્ષાએ ઓપન એજમાં જ્યારે કોટિશ્રીએ અન્ડર-17માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાલ બંને દીકરીની ગણના જ્વેલીન થ્રોમાં દેશમાં ટોપ ટેનમાં થાય છે ત્યારે તેઓ ઑલિમ્પિકમાં રમવાનું સપનું સેવે છે.

બંને દીકરીઓમાં દેશનું નામ રોશન કરવાની ક્ષમતા
​​​​​​​
પિતા સુધાકરભાઈના જણાવ્યા મુજબ આઉટ સ્ટેટની એક ઇવેન્ટનો ખર્ચ 50 હજારથી પણ વધી જાય છે અને 4-5 દિવસ નોકરીમાં રજા લેવી પડે. કોઈ ફેડરેશન કે રાજ્ય સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. રાજ્ય સરકાર કે કોઈ કોર્પોરેટ હાઉસ દીકરીઓને સ્પોન્સર કરવા આગળ આવે તો બંને દીકરીઓ દેશનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...