સાણંદના માધવનગર પાસે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 2 સિક્યુરિટી ગાર્ડ જમવાનું બનાવવા બાબતે ઝગડો કરી એક કર્મીની પથ્થર ઘા મારી હત્યા કરી એક ગાર્ડ ફરાર થયો હતો જેને બાતમી આધારે સાણંદ પોલીસની ટીમે સાણંદ શહેર છોડીને જતાં પહેલા જ જેલ હવાલે કર્યો હતો. સાણંદના માધવનગર આવેલ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ગુલાબસિંહ ફકીરસિંહ ગૌતમ (ઉત્તર પ્રદેશ) અને મનબોધનસિંહ ઉર્ફે માનસિંહ રાધેસિંહ ઠાકુર(વૈશ્ય) (રહે.ઉત્તર પ્રદેશ) નોકરી કરતો હતો. ગત મંગળવારે રાત્રે 8 વાગ્યે બંને વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝગડો થયો હતો અને પ્લાન્ટ ખાતે ઓપરેટરનુ કામ કરતા લોકોએ સમજાવી બંને અલગ કર્યા હતા.
રાત્રે સિક્યુરીટી કેબીનના આગળ ગુલાબસિંહ (ઉ.52)ને માથે અને મોઢાના ભાગે પથ્થર મારેલ હાલતમાં હત્યા કરેલ લાશ પડી હતી. જ્યારે સિક્યુરિટી ગાર્ડ મનબોધનસિંહ ઉર્ફે માનસિંહ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અન્ય કર્મીઓએ સાણંદ પોલીસને જાણ કરતાં પી.આઈ આર.એ જાદવ સહિત ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા અને આરોપીને પકડવા 3 ટીમો બનાવી હતી. તે દરમ્યાન હત્યા કરી આરોપી ફરાર થવાની તકમાં હતો અને બીજી તરફ પોલીસે જીઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિગત આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ત્યારે સાણંદ પોલીસ સ્ટેશનના પો.કો અનુરૂધ્ધસિંહ અરવિંદસિંહ, પો.કો. સહદેવસિંહ ઘનશ્યામસિંહ, પો.કો અનુરૂધ્ધસિંહ જામસિંહની ટીમે ચોક્કસ બાતમી આધારે ગુરુવારે બપોરે સાણંદ શહેરના ચરચક વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડની અંદરથી હત્યાનો આરોપી મનબોધનસિંહ ઉર્ફે માનસિંહ રાધેસિંહ ઠાકુરને દબોચી લઈ જેલમાં ધકેલ્યો હતો. આમ સિક્યુરિટી ગાર્ડનું ઢીમ ઢાળી દેનાર ગાર્ડ સાણંદ બસ સ્ટેન્ડમાંથી ઝડપાતા પોલીસ તંત્રમાં હાશકારો અનુભવાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.