ગોઝારો અકસ્માત:કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા એક્ટિવાને અથડાઇ, 3 મોત

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા APMCના ડાયરેક્ટની ગાડી સર્વિસ માટે કર્મચારી રાહુલ ગઢવી અમદાવાદના શોરૂમ ખાતે સર્વિસ કરાવી પરત જતો હતો ત્યારે ઘટના બની છે. - Divya Bhaskar
ધ્રાંગધ્રા APMCના ડાયરેક્ટની ગાડી સર્વિસ માટે કર્મચારી રાહુલ ગઢવી અમદાવાદના શોરૂમ ખાતે સર્વિસ કરાવી પરત જતો હતો ત્યારે ઘટના બની છે.
  • સાણંદના ગીબપુરા પાસે ધ્રાંગધ્રા APMCના ડિરેક્ટરની સર્વિસમાંથી પરત જતી કારને અકસ્માત

સાણંદ પાસે આવેલ ગિબપુરા ખાતે હાઇવે ઉપર ધાંગધ્રાના એપીએમસીના ડીરેક્ટરની કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડ જઈ હાઇવે પર જતા એકટીવા ચાલક અને બાઈક ચાલકને અથડાતા ઘટના સ્થળે બેના કમકમાટી ભર્યું મોત થયા. જયારે એકને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો ત્યારે રસ્તામાં મોત નીપજ્યું હતું.સમગ્ર વિગતો એવી છે કે શનિવારે સાંજે 5 કલાકે સરખેજ સાણંદ હાઇવે ઉપર ગીબપુરા ગામ પાસે ધાંગધ્રા એપીએમસી ડીરેક્ટર લખેલી ગાડીના ચાલક રાહુલ જેસીંગભાઈ ગઢવી (રહે. ધાંગધ્રા) હાઇવે પુર ઝડપે ચલાવી રહ્યો હતો.

અને હાઇવે પર અન્ય વાહનની સાઈડ કાપી વખતે રાહુલ કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી એકાએક ડીવાઈડર ઉપર કાર કુદી રોંગ સાઈડમાં આશરે 17 મીટર સુધી ફંગોળાઈ હાઇવે પર જતા એકટીવા ચાલક ચેલાભાઈ વનાભાઈ ભરવાડ આશરે (ઉં. 55) અને તેઓનો પુત્ર રવિભાઈ ચેલાભાઈ ભરવાડ (બન્ને રહે. તેલાવ ગામ, તા.સાણંદ) અને બાઈક ચાલક દિલીપભાઈ બાબુભાઈ પંચાલ (ઉં.32 રહે.બાવરડા, પાટણ) સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એકટીવા ચાલક ચેલાભાઈ અને તેઓના પુત્ર રવીભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવ બનતા હાઇવે ઉપર લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. અને બનાવ અંગે સાણંદ પોલીસને જાણ થતા સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.બી ગોહિલ, પી.એસ.આઈ ચોધરી સહીત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા .

બનાવ અંગે 108ને જાણ થતા સાણંદ 108ના પાઈલોટ ઈરફાનભાઈ અને ઈએમટી ભાવનાબેન રબારી તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત બાઈક સવાર દિલીપભાઈ ને સારવાર ખસેડાયા હતા. જ્યાં દિલીપભાઈનું રસ્તામાં મોત થયું હતું. બીજી તરફ ગાડીના ચાલક રાહુલ જેસીંગભાઈ ગઢવી અને ગાડીમાં સવાર રવિરાજસિંહ વિજયસિંહ ઝાલા (બન્ને રહે. ધાંગધ્રા)ને શરીરે ઈજાઓ થતા સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે ગાડીમાં સવાર વિનત હિતેશભાઈ ગોહિલને શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી.

અકસ્માતમાં કાર 17 મીટર સુધી ફંગોળાઈ
કાર નીચે એપીએમસીના ડાયરેક્ટ ધાંગધ્રા લખેલ હતું જે કાર પુર ઝડપે હોવાની વાત નક્કર છે કારના ચાલકે કાબુ ગુમાવી ડીવાઈડર કુદી અંદાજીત 17 મીટર રોંગ સાઈડમાં ફંગોળાઈને ત્રણને કાળનો કોળીયો કરી ગઈ.

કાર ઓવર ટેક કરી આગળ જવાના પ્રયત્નોમાં કાર સીધી કરવામાં ચાલકની ચૂક
આ અંગે દિવ્ય ભાસ્કરે સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી ગોહિલનો ટેલીફોનથી સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કાર તેલાવ બાજુથી આવતી હતી અને કોઈ વાહનને ઓવરટેક કરી પાછી આગળ જવાના પ્રયત્નો કર્યા છે પાછી સીધી કરવામાં ચાલકે ચૂક કરી ગયો અને કાર ડીવાઈડર ચડી ગઈ છે અને પલટી ખાધી છે.બાઈક અને એકટીવા સાથે અકસ્માત થયો છે તેવું પ્રાથમિક તારણ હાલ માનવામાં આવી રહ્યું છે, હાલ તપાસ ચાલુ છે. - એચ.બી ગોહિલ, પીઆઈ, સાણંદ

અન્ય સમાચારો પણ છે...