લોકોને જાગૃત કર્યા:સાણંદ UGVCL દ્વારા ઉત્તરાયણને લઇને લોકોને સાવચેત રહેવા અપીલ

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગ માટે જીવ જોખમમાં ન મૂકાય તે અંગે લોકોને જાગૃત કર્યા

સાણંદ 1 અને 2 UGVCL કચેરી ના અધિકારી નાયબ ઇજનેર આર. આર મકવાણા અને એન. આર. પરમારે14 અને 15 તારીખે ઉત્તરાયણના તહેવાર નિમિતે એક યાદી પ્રસિદ્ધ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે જેમાં તેમણે પતંગ માટે જીવ જોખમમાં ન મૂકવા લોકોને જાગૃત રહેવા જણાવ્યુ છે. જેમાં વીજળીના તારને અડકશો નહી, પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તા૨માં ફસાઇ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા ઉપર કે તાણીયા ઉપર ચડશો નહી,કારણકે તેમ કરવું ખુબજ જોખમ કારક છે.

વીજળીના વાય૨/તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહી. આ રીતે નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડકા થવાથી તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો બળી જવાની સંભાવના રહેલી છે. તમારા ઘરની આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા લાકડી કે લોખંડના સળિયા વડે તેને કાઢવાની કોશિષ કરશો નહી,કારણકે તેનાથી વીજ અકસ્માત થવાની પુરેપુરી શક્યતા છે.

ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહી કારણકે ધાતુના તાર વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે. વીજળીના તૂટેલા તારથી દુર રહો.નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ,UGVCL કચેરી ઉપર રૂબરૂમાં અથવા ફોન દ્વારા તુરંત જ આપો. પતંગ ચગાવવા માટે મેગ્નેટિક ટેપ તથા અન્ય વાયરોનો ઉપયોગ કરવો નહી.

સીન્થેટીક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ કરવો નહી કેમકે તેનાથી પાવર લાઇન કપાઇ જવાનો ભય સેવાય છે,જેને લીધે અંધારપટ છવાઇ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શકયતા રહે છે. આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે 9712967715 પર ફોન કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...