ગ્રાઉન્ડ રીપોર્ટ:સાણંદ-બાવળા કોળી મતો ભાજપ-કૉંગ્રેસમાં વહેંચાશે, ક્ષત્રીય સમાજ આપનો

સાણંદ11 દિવસ પહેલાલેખક: જિજ્ઞેશ સોમાણી
  • કૉપી લિંક
  • વિસ્તારમાં વિકાસ આધારિત નહીં, જ્ઞાતિના મુદ્દે ત્રિપાંખિયો જંગ ખેલાશે

સાણંદ-બાવળા વિધાનસભામાં હવે ત્રણેય પક્ષોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે આ ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે અને ત્રિપાંખિયો જંગ ખેલાશે. વિધાનસભામાં કુલ 2,81,183 મતદારો છે. મુખ્યત્વે કોળી, ક્ષત્રીય, ઠાકોર, દલિત અને પાટીદાર જ્ઞાતિઓનું પ્રભુત્વ છે, જેમાં સૌથી વધારે મત કોળી પટેલ સમાજના છે ત્યારે છેલ્લી 2 ટર્મથી બંને પક્ષ કોળી પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપતા આવ્યા છે ત્યારે આ વખતે ક્ષત્રીય સમાજે અન્યાય થઈ રહ્યો હોવાના મુદ્દે માથું ઊંચક્યું છે.

અને ગોધાવી ગામે એકાદ માસ પહેલાં યોજાયેલા ક્ષત્રીય સંમેલનમાં ચૂંટણીમાં ક્ષત્રીય સમાજને પ્રતિનિધત્વ મળે, તેવી માંગ કરી હતી અને જાહેર મંચ પરથી એલાન કર્યું હતું કે જે પક્ષ ક્ષત્રીય સમાજના ઉમેદવારને ટિકિટ આપશે તેને સમાજ એકજૂટ થઈને જીતાડશે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ ક્ષત્રીય ઉમેદવાર કુલદીપસિંહને જાહેર કર્યા છે પરંતુ મુખ્ય બે પક્ષ ભાજપ અને કૉંગ્રેસે કોળી પટેલ સમાજને પ્રતિનિધિત્વ અપાયું હોવાથી નારાજ ક્ષત્રીય સમાજ આમ આદમી પાર્ટી તરફ ઢળે, તેવી શક્યતાઓ નકારી શકતી નથી.

બીજી તરફ ભાજપ અને કૉંગ્રેસ બંનેએ કોળી ઉમેદવાર અનુક્રમે કનુભાઈ પટેલ અને રમેશભાઈ પટેલને ઉતારતાં આ સમાજની વૉટબૅન્કનું પણ વિભાજન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કનુભાઈ પટેલની કામગીરીથી કેટલાંક અંતરિયાળ ગામોમાં નારાજગી સામે આવી છે ત્યારે બીજી તરફ બાવળા વિધાનસભા વિસ્તારમાં બાવળા શહેરમાં ભાજપને લાભ થઈ શકે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોના કોળી પટેલ મતો વહેંચાય, તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. આમ, આ ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામશે અને કોઈ પણ પક્ષ માટે જીતવું સરળ નહીં બને તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. આમઆ ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે અને ત્રિપાંખિયો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...