સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનાવેલ માર્ગોમાં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરીને ભ્રષટાચાર આચરાયો હોવાની સમગ્ર તાલુકામાંથી માંગ ઉઠવા પામી છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા છેલ્લા ૧૫ દિવસથી અલગ અલગ વિસ્તારોના માર્ગોનું સ્થળ ઉપર જઈ રિયાલિટી ચેક કરીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કઈ રીતે પ્રજાના પૈસા પાણી કરવામાં આવ્યું છે તે બહાર લાવવામાં આવી રહ્યું હોવા છતાં મળતિયા અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરોને માત્ર નોટિસો પાઠવીને સંતોષ માનવામાં આવ્યો છે ત્યારે કોઈ નક્કર કાર્યવાહી નહિ કરાતા પ્રજામાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
દલિત અધિકાર મંચ દ્વારા સાણંદ તાલુકાના ગામોમાં બનાવેલા માર્ગોની બદતર હાલત, ભ્રષ્ટાચારની પોલ ખોલ અંતર્ગત રિયાલિટી ચેક અભિયાન અંતર્ગત દિવ્યભાસ્કર અમદાવાદ બોટાદ આસપાસમાં આવેલ અહેવાલોને આધીન વર્ષ 2018થી બનેલા માર્ગોની તપાસ અને નવીનીકરણની માંગ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અનિલ ધામેલીયા (આઈ.એ.એસ), જિલ્લા વિકાસ અધિકારી.
અમદાવાદ સમક્ષ લેખિત આવેદનપત્ર આપી જુદા જુદા ચાર મુદ્દાઓ ધ્યાને લઈને ઉચ્ચ સ્તરની તપાસ કરવાની માંગ કરવામાં આવી તેમજ ગેરન્ટી પિરિયડ મુજબ જે તે એજન્સીની જવાબદારી નક્કી કરવા તેમજ નબળી હલકી ગુણવત્તાના બનેલ માર્ગોમાં જવાબદારી નક્કી કરીને તમામ માર્ગોનું નવીનીકરણ કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાણંદ તાલુકામાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા માર્ગો તેના ગેરેન્ટી પીરીયડ પહેલા જ ભંગાર બની ગયા છે. જેથી રોડમાં ભ્રષ્ટાચાર થયાની બૂ આવે છે.
રોડ | પીંપણ એપ્રોચ રોડ |
રસ્તાની લંબાઈ | 0.45 કિમિ |
ફળવાયેલી રકમ | 34.58 લાખ |
કોન્ટ્રાક્ટરનું નામ | એલ જી ચૌધરી |
કામ પૂર્ણ કર્યા તારીખ | 26-2-2018 |
ગેરન્ટી પીરીઅડ | 3-10-2021 |
પરિસ્થિતિ
સાણંદ-બાવળા રોડ ઉપરથી પીંપણ ગામના પાટિયેથી પીંપણ ગામમાં જવાનો એપ્રોચ રોડનો ગેરન્ટી પીરીયડ માત્ર છ માસ પહેલા પૂર્ણ થયો છે. પણ રોડ તો ઘણા સમયથી બિસમાર બની ગયો છે. રસ્તા પર ડામર ગાયબ થયો છે અને કાંકરા બહાર ઉપસી આવ્યા છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
નેતાઓ શું માત્ર મત લેવા જ બોલશે? પ્રજાની મહેનતના પૈસાનું પાણી થાય ત્યારે મૌન કેમ?
સાણંદ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ માર્ગોમાં લોલંલોલ સામે આવ્યું છે ત્યારે સત્તામાં બેઠેલા શાસક પક્ષના નેતાઓ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય કે તાલુકા ભાજપ પ્રમુખ ન્યાયિક તાપસ માટે આગળ આવવાનું તો ઠીક પણ અધિકારીઓ કે કોન્ટ્રાકટરો ની શાન ઠેકાણે લાવવા કાર્યવાહીની માંગ કરી નથી કે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ત્યારે પબ્લિક શું તમને આ માટે ચૂંટે છે કે તમે માત્ર ચૂંટણી વખતે વોટ લેવા જ બોલો બાદમાં ગમે તેવો અન્યાય થાય લોકો માટે આગળ આવવાનું જ નહિ. પ્રજાના પૈસા શું બોડી બામણીનું ખેતર છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ચરી જાય ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.