ઉજવણી:જિલ્લામાં ધાર્મિક પર્વ ઉજવાયો, સાણંદ શહેરમાં અખાત્રીજ અને પરશુરામ જયંતીની ઉજવણી કરાઈ : બ્રહ્મસમાજે 2 કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢી

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ શહેરમાં ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સમૂહ નમાજ અદા કરી, ઈદની મુબારકબાદી પાઠવી

સાણંદમાં હિંદુ સંસ્કૃતિના વણજોયા શુભમુહૂર્ત ગણાતા અખાત્રીજ પર્વ તેમજ પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાણંદમાં અખાત્રીજ નિમિત્તે ખેડૂતોએ પોતાનાં ખેતરો ખેડી, ભૂમિની પૂજા કરીને ખેતીનું મુહૂર્ત કર્યું હતું. બીજી તરફ આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામ જયંતી પણ આ જ દિવસે હોવાથી સમસ્ત સાણંદ બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાણંદ બાયપાસથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે વાજતે ગાજતે શંકરતીર્થ આશ્રમ પહોંચી હતી, જ્યાં સંત આનંદમુરતીજીના આશીર્વાદ અને ઉપસ્થિતિમાં પરશુરામ ભગવાનનું પૂજન અર્ચન અને મહાઆરતી કરવામાં આવી હતી . આ પ્રસંગે બ્રહ્મ સમાજ પ્રમુખ સનતભાઈ પંડિત, મંત્રી દિલીપભાઈ રાવલ, કમલેશભાઈ વ્યાસ, વિજયભાઈ પંડિત સહિત આગેવાનો ઉપસ્થિત હતા.

વિરમગામમાં ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે મુનસર તળાવ પાસેની ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાજ અદા કરી હતી. ભાજપ લઘુમતી મોરચા દ્વારા શરબતનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક કરી હતી.

ધોળકામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી : શહેરમાં સવારે વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. નમાઝ બાદ એક બીજાને ઈદ મુબારક પાઠવેલ હતા. ત્યારબાદ શિરખુરમા ની લિજ્જત માણી હતી. આ નિમિત્તે ધોળકા નગરપાલિકા દ્વારા ટાવર બજારસ્થિત જૂની પાલિકાના સભાખંડમાં ઈદ મિલન સમારંભ યોજાયો હતો.

સાણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ : વિરોચનનગરમાં કોમી એકતાનું દૃષ્ટાંત જોવા મળ્યું
પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં જ સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સાણંદ નગર તથા તાલુકાનાં તેલાવ, ગીબપુરા, કોલત, વિરોચનનગર સહિતનાં ગામોમાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સાણંદના વિરોચનનગર મુકામે ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક ઇદની નમાજ અદા કરી હતી અને નમાઝ બાદ દેશમાં શાંતિ , સલામતી અને ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના દુઆ કરીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.મહત્વનું છે કે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો જેમાં એક મહિના સુધી મુસ્લિમ ભાઈઓ અને બહેનો પૂરો મહિનો ખુદાની બંદગી સાથે પવિત્ર રોજા રાખતા હોય છે અને રાત્રે તરાવીની નમાજ પઢતા હોય છે .

રમજાન માસ પૂર્ણ થતાની સાથે ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આ ઈદને લોકો મીઠી ઇદના નામે પણ ઓળખે છે. ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખીર અને મીઠી સેવાઇયા ખવડાવીને કરે છે. ઉલ્લેખનીય છે કે વિરોચનનગરમાં હિન્દુ મુસ્લિમ હળી મળીને તહેવારની ઉજવણી કરતા હોય છે જે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે

અન્ય સમાચારો પણ છે...