તાત મેઘની રાહમાં:સાણંદ તાલુકામાં ચાલુ સિઝનનો માત્ર 7% વરસાદ; તાતની ચિંતા વધી

સાણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2020માં 35% અને 2021માં 25% વરસાદ 9 જુલાઈ સુધીમાં પડ્યો હતો

હાલ મોટા ભાગે સમગ્ર રાજયમાં મેઘ મહેર છે ત્યારે સાણંદ તાલુકામાં નહિવત પ્રમાણમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.છેલ્લાં 15 દિવસમાં માત્ર 44 એમએમ વરસાદ શનિવાર સુધીમાં સાણંદના સરકારી ચોપડે નોંધાયો છે. જેને લઈને ખેડૂતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે. સાણંદમાં ચાલુ સિઝનમાં માત્ર 44 મીમી એટલેકે સીઝનનો માત્ર સાત ટકા વરસાદ પડ્યો છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે.

સામાન્ય રીતે સાણંદમાં દર વર્ષે સરેરાશ સીઝનનો ૨૫-૩૦ ઇંચ વરસાદ થાય છે ગત 9 જુલાઇ 2021માં ૧૯૫ એમએમ અને 9 જુલાઇ 2020ના વર્ષેમાં ૨૩૨ એમએમ જેટલો વરસાદ હતો અને ગત વર્ષમાં જોવાં આવે તો સરેરાશ ૧૫ જુલાઈ સુધી ૮ થી ૯ ઇંચ વરસાદ હતો પરંતુ ચાલુ સાલે માત્ર 44 એમએમ એટલે કે માત્ર બે ઇંચ જેટલો જ વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાણંદ તાલુકાનાં મોટાભાગની જગ્યાએ ખેતરો કોરાધાકોડ છે હજુતો રોપણી પણ શરુ થઇ શકી નથી સમયસર વરસાદ ન થવાથી મજુરોને પણ કામ મળતું નથી અને બજારમાં પણ ઘરાકી ઉઘડતી નથી.

રોજે રોજ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ ભરપુર બને છે પરંતુ કુદરત જાણે માનવીની ક્રૂર મજાક કરતી હોય તેમ પાણી વરસતું જ નથી ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ફતેવાડી કેનાલમાં પાણી છોડતા ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી તો કરી દીધી છે પરંતુ ડાંગરના પાકને ચોમાસાના ચારેય મહિના સુધી પાણીની જરૂર હોય છે જેથી આ પાણી સારો એવો વરસાદ વરસી ન જાય ત્યાં સુધી ચાલુ રખાય એવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

1200 ક્યૂસેક પાણની માંગ સામે માત્ર 150 ક્યુસેક પાણી છોડાયું
સૂત્રોના જણાવ્યા અનુસાર સિંચાઈ વિભાગ દ્વારા ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પણ અને તે પાણીથી ઘણા ખરા ખેડૂતોએ રોપણી તો કરી પણ સિંચાઇ માટે ખાસ સાણંદ તાલુકા માટે આશરે 1200 થી 1300 ક્યૂસેક પાણીની માંગ કરાતી હોય છે.. જેની સામે હાલ 150થી વધુ ક્યૂસેક પાણી છોડ્યું છે. ત્યારે જો સમયસર સારો વરસાદ નહીં પડે તો આગામી દિવસોમાં ખેતીની સ્થિતિ કઠિન બને તેમ ખેડૂતોને લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...