કામગીરી:નળકાંઠા સહિતનાં 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને લાભ મળશે

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારીકટ-ફતેવાડીને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેતાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતલક્ષી વધુ એક નિર્ણય લેતા અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ખારીકટ-ફતેવાડી યોજનાનો અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવા નિર્ણય લીધો. જેમાં 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે.

જેમાં ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે સાણંદ તાલુકો છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની સમસ્યાઓ સર્જાતી હતી. એટલું જ નહીં, અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.

આ અંગે ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ ગૃહ મંત્રી અમિત શાહે અંગત રસ લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે. જેને લઈને સાણંદ તાલુકાનાં આશરે 47 ગામોના ખેડૂતોને આ યોજનો લાભ મળશે. અગાઉ સાણંદ તાલુકામાંના ખેડૂતોએ ફતેવાડી કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવા માટે અનેક વખત ખેડૂતોએ સિંચાઇ વિભાગ તેમજ પ્રાંત, કલેક્ટરને અનેક વખત રજૂઆત કરી હતી. જ્યારે સરકાર દ્વારા ફતેવાડીને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરતાં સાણંદ તાલુકાનાં 47 સહિત 111 ગામોના ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...