રાજકારણ ગરમાયુ:ખેંગાર સોલંકી કોઈ પણ ભોગે સાણંદ સીટ પર લડી લેવાના મૂડમાં : સમર્થકોનો જમાવડો

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનુભાઈ પટેલને રિપીટ કરાતાં ભાજપમાં જ ભડકો, એપીએમસીના ચેરમેને બળવો કર્યો

સાણંદ વિસ્તારમાં ભાજપે કોળી પટેલ સમાજ અગ્રણી અને વર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલને રિપીટ કરતા કોળી પટેલ સમાજના જ અન્ય એક આગેવાન અને સાણંદ એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ સોલંકીએ બળવો કરતા સાણંદનું રાજકારણ ગરમાયુ છે ત્યારે ભાજપ મોવડી મંડળની દિવસભરની સમજાવટ છતાં ખેંગારભાઈ એક ના બે ન થતા લડી લેવાના મૂડમાં હોય તેમ પોતાના સમર્થકો એકઠા કરી રહ્યા છે.

સાણંદ -બાવળા વિધાનસભામાં ચૂંટણીની જાહેરાત પૂરવેથીજ રાજકારણ ગરમ થવા લાગ્યું હતું .સૌ પ્રથમતો ટિકિટ ફાળવણી મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા સાણંદના ગોધાવી ખાતે સમાજનું સંમેલન એકાદ માસ અગાઉ બોલાવાયું હતું જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અગ્રણીઓએ એકઠા થઇ અને જાહેરાત કરી હતી કે જે પક્ષ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપશે તેને જીતાડવા સમાજ એક થશે . ત્યાર બાદ મુખ્ય પક્ષ ટિકિટ કોને આપે છે તેની રાહ જોવાઈ રહી હતી . આમ આદમી પાર્ટીએ ક્ષત્રિય સમાજના કૂલદીપસિંહ વાઘેલાને ટિકિટ આપી છે ત્યારે ભાજપે ફરી એકવાર કોળી પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપતા પ્રવર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલને રિપીટ કર્યા છે ત્યારે હવે ક્ષત્રિય સમાજની મીટ કોંગ્રેસ પક્ષ સામે હતી ત્યારે ભાજપમાં જ ભડકો થતા એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ સોલંકીએ બળવો કરતા કોંગ્રેસને ઉમેદવાર જાહેર કરવામાં સમય લાગી રહ્યો છે તેવું ચર્ચાઈ રહ્યું છે .

મોટા ગજાના કોંગી આગેવાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ખેંગારભાઈ સોલંકી સાથે વાટાઘાટો ચાલી રહી છે અને કોંગ્રેસ તેઓને ટિકિટ આપી કો પટેલ વોટબેન્ક કેશ કરવા નિર્ણંય લે તેવી સંભાવના છે . બીજી તરફ ખેંગારભાઈ સોલંકી હાલ તો અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું રટણ કરી રહ્યા છે અને પોતાના સમર્થકોને લોદરીયાલ નજીક એકઠા કરી સભાઓ કરી રહ્યા છે ત્યારે સાણંદ વિધાનસભામાં બે મુખ્ય પક્ષો વચ્ચેનું રાજકારણ હાલ ચરમસીમાએ છે એમ કહી શકાય અને બન્ને પક્ષો બાજી જીતવા માટે કયું પત્તુ ઉતારવું તેની મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે .

અન્ય સમાચારો પણ છે...