હવેથી અઠવાડિયે 2 ડ્રાઇવ:સાણંદ શહેરમાં તંત્રે ડ્રાઈવ યોજી હાઇવે પરથી 174 ગાયોને પાંજરે પૂરી

સાણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વાર ઢોર પકડાતાં 5000નો દંડ, બીજી વાર FIR

ચોમાસાની ઋતુ ચાલુ થતા જ સાણંદ શહેરમાં આવેલ હાઇવે પર ગાયો અડિંગો જમાવી બેસી જાય છે. તંત્ર દ્વારા ગાયોને રસ્તા પરથી દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી. જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ સાણંદમાંથી 174 ગાયોને તંત્રએ પાંજરે પુરી હતી.

સાણંદ શહેરના હાઇવેના ગિબપુરા ગામ પાસે, સાણંદ બાયપાસ પાસે, સોમનાથ બસ સ્ટેશન નજીક, વાઘેલા બોર્ડિંગ, ગઢીયા ચાર રસ્તા, નળ સરોવર ત્રણ રસ્તા, બસ સ્ટેશન પાસેના રોડ ઉપર ગાયોનો અડીંગો રોજ રોજ જામતાં હતા. જે અંગે 20 જુલાઈ ના રોજ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધિ થતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોમાસાની ઋતુમાં નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો મુખ્યત્વે સરખેજ-સાણંદ વિરમગામ હાઇ વે ઉપર ગાયો આવતા જતા વાહન વ્યવહારને ખુબ જ અડચણ રૂપ બનતા હતા ત્યારે આવા સંજોગોમાં સાણંદ ન.પા દ્વારા પોલીરા વિભાગના સંકલનમાં રહી રખડતા ઢોર – ગાયો પકડવાની ડ્રાઈવ યોજી હતી. સાણંદ પોલીસ સ્ટેશન અને ન.પા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી તા. 31 જુલાઈ ને રવિવારે રાત્રે કુલ 174 ગાયોને પકડી પાંજરાપોળ,સાણંદ ખાતે જમા કરાવેલ છે.

તેમજ પાલિકા ચીફ ઓફીસર બિજલ સોલંકીએ જણાવ્યું કે હવેથી આ પ્રકારની ડ્રાઈવ દર અઠવાડિયે 2 વખત યોજવામાં આવશે અને પ્રથમ વખત ઢોર પકડતા પશુપાલકને 5000 નો દંડ કરવામાં આવશે તેમજ બીજી વખત પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર નોંધાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...