ધોધમાર વરસાદ:સાણંદમાં 12 કલાકમાં જ આકાશમાંથી સાડા 8 ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલ, કોર્ટ અનેક સોસોયટીઓ પાણીમાં ગરક થઇ

સાણંદ શહેર તથા તાલુકા વિસ્તારમાં રવિવારે સમીસાંજે સાત કલાકે શરુ થયેલા વરસાદે જાણે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હોય તેમ વીજળીના કડાકા, વાદળના ગડગડાટ સાથે આખી રાત અણનમ બેટિંગ કરી હતી. સાણંદ વિસ્તારમાં રવિવારે સાંજે 7 કલાકે વરસાદી માહોલ જામ્યો હતો અને મેઘો મંડાયો હતો અને રાત્રીથી લઈને સવારે 5 સુધી મુશળધાર વરસાયો હતો સવારે પણ સાત સુધી ધીમીધારે પાણી વરસતા માત્ર 12 કલાકમાં 219 મીમી પાણી વરસી ગયું હતું.

સિવિલ હોસ્પિટલ, સિવિલ કોર્ટ, પશુ દવાખાનું સહિત મુખ્ય સ્થળોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાયા હતા. અમદાવાદ હાઇવે પર આવેલી સરસ્વતી સોસાયટીમાં લોકોના બંગલાના બેડરૂમ સુધી વરસાદી પાણી ધસી ગયા હતા .સાણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ રક્ષાબેન પરમારના ઘરમાં પણ પાણી ભરાયા હતા અને અડધી રાત્રે પાણી ઉલેચવાના વારા આવ્યા હતા. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી જળબમ્બાકાર સ્થિતિનું સર્જન થયું હતું . સાણંદના નિધરાડ ગામના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા હતા .

સાણંદ કડી રોડ ઉપર આવેલ સંત મુનિ આશ્રમમાં પણ પાણી ધસી જવા પામ્યા હતા. બીજી તરફ સરખેજ બાવળા હાઇવે પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. સનાથલ -જીવણપુરા રોડ તૂટી જવા પામ્યો હતો અને સનાથલ ગામમાં ઠેર ઠેર ઢીંચણ સમાં પાણી ભરાયા હતા .સાણંદના પણ નીચાણ વાળા વિસ્તારો જેમકે લાભશુભ સોસાયટી, ગેપપરા, રબારીવાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી . બીજી તરફ નવો બનેલ સાણંદ કોલત રોડ પાણીના નિકાલના અભાવે વહેતી નદીમાં ફેરવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...