સાણંદમાં 33 દિવસમાં 6,656 આસામીએ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરી રૂ.12.49 લાખનું વળતર મેળવ્યું છે. એડવાન્સ મિલકત વેરો ભરતા સાણંદ નગરપાલિકાને રૂ.1.17 કરોડની આવક થઇ છે. યોજનાને 11 દિવસ બાકી રહ્યા છે. ઓનલાઇન વેરો ભરવા પર 10+5 ટકા વધુ વળતર મળે છે.
સાણંદ નગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત અને વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકતધારકો માટે તા.5 એપ્રિલથી 31 મે સુધી રીબેટ એટલે કે વળતર યોજના શરૂ કરવામાં આવી છે. આ વળતર યોજના અંતર્ગત તા.20 મે સુધીમાં 6,656 આસામીએ મિલકત વેરામાં રૂ.12.49 લાખનું વળતર મેળવ્યું છે. તેમજ આ સમય દરમ્યાન સાણંદ પાલિકાને રૂ.1.17 કરોડની મિકલત વેરાની આવક થઇ છે.
આ યોજના તા.31 મે સુધી અમલમાં હોય ત્યારે માત્ર 11 દિવસ બાકી રહ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત તા.1 એપ્રિલથી 20 મે સુધીમાં મિલકત વેરાની કુલ રૂ.1.17 કરોડની વસૂલાત થવા પામી છે. સાણંદ પાલિકા દ્વારા વેરા ભરનારને ઓફલાઈનમાં 10 ટકા અને ઓનલાઇન 10+5 ટકા મિલકત વેરા ઉપર વળતર આપ્યું છે.
એક તરફ લોકોને ડિજિટલ તરફ લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકો ઓનલાઈન મિલકત વેરો ભરે તે માટે ઓફલાઇન કરતાં 5 ટકા વધુ એટ્લે કે 15 ટકા વળતર યોજના આપી છે. પરંતુ જોવામાં આવે તો 5761 લોકોએ તો રૂબરૂ સાણંદ નગરપાલિકાએ જઈ વેરો ભર્યો છે.
ઓનલાઈન વેરાની સ્કીમ ચાલુ કરી પણ અમુક સમયે તો સાઇટ બંધ
સાણંદમાં વેરા ભરવા માટે તંત્ર દ્વારા ઓનલાઈન વેરા વળતરની સ્કીમ મૂકી છે અને તે માટે પાલિકા તંત્રએ શહેરના અલગ અલગ સ્થળોએ બેનર, હોડિંગ લગાવ્યા હતા અને લાઉન્ડ સ્પીકર રાખી રીક્ષા પણ ફેરવી હતી. પરંતુ અનેક લોકોએ આ સાઈટ ઉપર વેરો ભરવાની કોસીસ કરી પણ અમુક સમયે સાઈટ બંધ કે ધીમી ચાલતી હોવાના રાવને કારણે શહેરીજનોએ રૂબરૂ પાલિકાએ વેરો ભરવા પહોચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.