ક્રાઇમ:કોંગ્રેસનો વિરોધ કેમ કરે છે તેમ કહી એકને ઢીબી નાખ્યો

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ તા.ના પીંપણ ગામનો બનાવ

સાણંદ તાલુકાના પીંપણ ગામે પોતાના વાડામાં ભેંસોનું દૂધ દોહી રહેલ ઈસમને ગામના જ ચાર લોકોએ આવી કોંગ્રેસનો કેમ વિરોધ કરો છો એમ કહી ઢીબી નાખતા સાણંદ પોલીસમાં ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. સમગ્ર ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ સાણંદ તાલુકાના પીંપણ ગામે રહેતા ગીરીશભાઈ પસાભાઇ પટેલ મંગળવારે સાંજે 4 કલાકે પોતાના વાડામાં ભેંસો દોવા ગયા હતા ત્યારે આજ ગામના ચાર ઈસમો નામે રસિક નવઘણભાઇ ગોહેલ, કલ્યાણ ઉર્ફે બાબર નવઘણભાઇ ગોહેલ, દિલીપ ભમ્મરભાઈ ગોહેલ અને છોટુભાઈ નટુભાઈ પટેલ આવ્યા હતા અને કહ્યું હતું કે અમે કોંગ્રેસમાં છીએ અને તમે કેમ કોંગ્રેસનો વિરોધ કરો છો એમ કહી ગડદાપાટુનો માર મારી , ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આસપાસના લોકોએ ગીરીશભાઈ ને છોડાવ્યા હતા.

ઘટના અંગે ગીરીશભાઈએ સાણંદ પોલીસમાં જાણ કરતા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદની પીંપણ અને ઝાંપ બેઠકોની ચૂંટણીના પરિણામો આજેજ હતા અને બંનેમાં ભાજપ વિજયી બન્યું હતું ત્યારે આ મારામારી ચૂંટણીની સાઈડ ઇફેક્ટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. રવિવારે યોજાયેલી ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થયું હતું. જેની અદાવતમાં મારામારી થઇ હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...